ઈરાની પ્રતિનિધિમંડળ અમેરિકાની રાહ જોયા વિના પાક.થી રવાના: અમેરિકાનાં દૂતોનો ઈસ્લામાબાદ પ્રવાસ રદ
નવીદિલ્હી,તા.2પ:
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની વાટાઘાટો ફરી એકવાર શરૂ થવાની આશા બંધાય તેવા
ઘટનાક્રમો રચાયા હતા. ત્રણ દેશની યાત્રાનાં પ્રથમ ચરણનાં ભાગરૂપે ઈરાનનાં વિદેશમંત્રી
અબ્બાસ અરાઘચીએ આજે ઈસ્લામાબાદમાં પાકિસ્તાની અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
બીજીબાજુ અમેરિકાનાં પ્રનિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ ઈરાન સાથે વાટાઘાટ
માટે આજે ઈસ્લામાબાદ જવા રવાના થવાનાં હતાં. જો કે ઈરાન તરફથી અમેરિકા સાથે કોઈ સીધી
મંત્રણા નકારી દેવામાં આવી હતી અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચે તે પહેલા જ ઈરાનનાં
વિદેશમંત્રી ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતાં.
જેને પગલે અમેરીકી પ્રતિનીધી મંડળનો પ્રવાસ પણ છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. પાકિસ્તાન
તરફથી બન્ને પક્ષને સમજાવીને વાટાઘાટ માટે મનાવવાનાં છેલ્લી ઘડીનાં પ્રયાસો ચાલી રહ્યાં
હતાં પણ ઈરાને આમાં તેને મોટો ઝટકો આપી દીધો છે.
અમેરિકા
અને ઈઝરાયલ સામે લાંબા તનાવ અને ઘર્ષણ બાદ ઈરાને હવે એક મહત્વનું પગલું ભરતાં કોમર્શિયલ
વિમાન સેવાને ફરીથી શરૂ કરી દીધી છે. ઈરાનની રાજધાની તહેરાનમાં ખુમૈની એરપોર્ટથી આજ
બે માસ બાદ પહેલીવાર ફ્લાઈટો સંચાલિત કરવામાં આવી હતી. જેનાં હિસાબે આને યુદ્ધ પછી
સ્થિતિ સામાન્ય બનવાનાં સંકેતો માનવામાં આવ્યા હતાં.
અમેરિકી
દૂત શાંતિ વાટાઘાટનાં નવા ચરણ માટે ઈસ્લામાબાદ જવા માટે રવાનાં થાય તે પહેલાં વ્હાઈટ
હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઈરાનનાં પ્રતિનિધિઓ સાથે આમને-સામને વાટાઘાટો
કરવામાં આવશે. બીજીબાજુ ઈરાનનું પ્રતિનિધિ મંડળ શુક્રવારે રાતે ઈસ્લામાબાદ પહોંચી ગયું
હતું. આમાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી, ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદી, રાજદૂત રઝા
અમીરી મોઘદમ અને વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિ
મંડળ અમેરિકા સાથે વાટાઘાટ માટે પાકિસ્તાન પહોંચ્યું હોવાની જાહેરાત કરવાનું ઈરાને
ટાળ્યું હતું. તેમ છતાં આજે તેઓ મધ્યસ્થતામાં
મહત્વની ભૂમિકા નિભાવતા પાક.નાં ફીલ્ડ માર્શલ અસીમ મુનીરને મળ્યા હતાં. જો કે તેમનાં
વચ્ચે ચર્ચાયેલા મુદ્દાની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નહોતી. વળી, અમેરિકાનું પ્રતિનિધિમંડળ
પહોંચે તે પહેલા જ આ લોકો ઈસ્લામાબાદથી નીકળી જતાં વાટાઘાટની આશા ઉપર પાણી ફરી વળ્યું
હતું.