રાજ્યના જીડીપીને ગતિ મળે તેવાં કામમાં આર્થિક મદદની ઘોષણા કરવાનું વૈકલ્પિક મોડેલ લાગુ થશે
નવી
દિલ્હી, તા. 9 : ભાજપ હવે ચૂંટણી વખતે મતદારોને આકર્ષવા માટે મફતની ઘોષણા (રેવડી) પર
રોક મૂકવાની તૈયારીમાં છે. કેસરિયા પક્ષે ફ્રી બાઇઝનાં સ્થાને એક વૈકલ્પિક મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલ હેઠળ ખાતામાં
સીધા રોકડા જમા કે અન્ય છૂટની જગ્યાએ કામકાજને વધારવા અને આવા કામો માટે આર્થિક મદદની
ઘોષણા થશે, જેનાથી રાજ્યના જીડીપીને ગતિ મળી શકે. નવાં મોડેલની શરૂઆત 2026માં આસામમાં
યોજાનારી વિધાનસભા ચૂંટણીથી કરાશે. ભાજપ આ વ્યવસ્થા એ જ રાજ્યોમાં લાગુ કરશે, જ્યાં
પોતે ખુદ સરકારમાં છે અથવા મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે અથવા જ્યાં આપબળે ચૂંટણી લડશે.
દરમ્યાન,
જ્યાં પહેલાંથી મફતની યોજનાનાં વચનોની ઘોષણા થઇ ચૂકી છે અથવા પક્ષે જેનું વચન આપ્યું
છે, તે જારી રહેશે. જો કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં આવાં રાજ્યોમાં પણ નવું મોડેલ
લાગુ થશે. મતલબ એ કે, 2028 બાદ ભાજપ શાસિત તમામ રાજ્યમાં નવું મોડેલ અમલી થઇ જશે.
ભાજપની
અનેક ઘોષણાપત્ર સમિતિમાં લાંબા સમયથી જોડાયેલા એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, દિલ્હી
ચૂંટણી દરમ્યાન જ ટોચનાં નેતૃત્વએ વૈકલ્પિક મોડેલની રણનીતિ પર વિચાર આપ્યો હતો. રાજ્ય
સરકારોને ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, ઊર્જા જેવાં અનેક ક્ષેત્રોમાં સબસિડી પર
દર મહિને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે.