ઈસ્તાનબુલ, તા. 26 : ઈરાન, અજરબૈજાન, તજાકિસ્તાન અને તુર્કી એમ ચાર દેશની યાત્રા પર નીકળેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે રવિવારે મોડી રાત્રે ઈસ્તાનબુલમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, શાહબાજે ભારત વિરુદ્ધ સમર્થન આપવા માટે તુર્કીનો આભાર પણ માન્યો હતો. આ વેળાએ પાક આર્મી ચીફ મુનીર પણ શરીફ સાથે જોડાયા હતા.
એક મીડિયા હેવાલ મુજબ, બંને નેતાએ
દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાત કરી હતી. રાષ્ટ્રપતિ એર્દોગને
કહ્યું હતું કે, તુર્કી અને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડતા રહેશે. બંને
દેશ એકબીજાને તાલીમ, ગુપ્ત માહિતી અને ટેકનોલોજીકલ સહકાર પણ આપશે. આ સાથે જ બંને દેશ
વચ્ચે પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવા માટે પગલાં લેવાશે, જેના માટે વિદ્યુત, ટ્રાન્સપોર્ટ
અને ડિફેન્સ ક્ષેત્રમાં સહયોગ વધારાશે તેમ પણ એર્દોગને જણાવ્યું હતું.
તુર્કીના રાષ્ટ્રપતિએ વધુમાં
જણાવ્યું હતું કે, ઈસ્તાનબુલ-તહેરાન-ઈસ્લામાબાદ રેલવે લાઈનને પણ વધુ સારી કરાશે, તે
સાથે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્ત્વનાં પગલાં લેવાશે, જે બંને દેશ વચ્ચે સંબંધો મજબૂત
બનાવશે.