નવી
દિલ્હી, તા.14: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદ થયેલ ભારતીય ખેલાડીઓ તેમના પરિવાર સાથે યૂએઇનો
પ્રવાસ કરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની 1-3ની
હાર બાદ બીસીસીઆઇએ નવા નિયમ બનાવ્યા છે. જે અનુસાર ઓછામાં ઓછા 4પ દિવસના વિદેશ પ્રવાસ
દરમિયાન જ ખેલાડી તેના પરિવારનો સંગાથ મેળવી શકે છે. તે પણ ફક્ત બે સપ્તાહ માટે. ચેમ્પિયન્સ
ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરથી થશે. ભારતનો પહેલો મેચ દુબઇમાં 20મીએ બાંગલાદેશ વિરુદ્ધ
છે.
બીસીસીઆઈના
એક અધિકારીએ જણાવ્યું કે નિયમમાં ફેરફાર થશે તો અલગ વાત છે. હાલ તો ખેલાડીઓ સાથે પત્ની
કે પાર્ટનર યૂએઇ જશે નહીં. જો કોઇ અપવાદ હશે તો પૂરો ખર્ચ ખેલાડીએ ઉઠાવવાનો રહેશે.
એક સીનીયર ખેલાડીએ ડિમાન્ડ કરી હતી, પણ તેને જણાવી દેવાયું છે કે નિયમનો ચુસ્ત અમલ
થશે. આથી પરિવારને દુબઇમાં સાથે રાખી શકશો નહીં.
આ ઉપરાંત
બીસીસીઆઇએ ખેલાડીઓના અંગત શેફ અને સેક્રેટરીની યાત્રા પર પણ રોક મુકી દીધી છે. ભારતીય
ક્રિકેટ બોર્ડે કડક નિયમ માટે 10 સૂત્રીય દીશા-નિર્દેશ બહાર પાડયા હતા. જે અનુસાર ખેલાડીઓનો
અંગત સ્ટાફ ટીમમાં હોટેલમાં રોકાણ કરી શકશે નહીં. કોચ ગંભીરના સેક્રેટરીને પણ અનુમતિ
મળશે નહીં. ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તે ગંભીરની સાથે હતો અને ખેલાડીઓ સાથે જનાસ્તા-પાણી
બીસીસીઆઇના ખર્ચે કરતો હતો. ટીમ મિટિંગમાં
પણ તે ગંભીરની સાથે રહેતો હતો. જે પછી બીસીસીઆઈએ નવા નિયમ બનાવ્યા છે.