દુબઈ, તા.8: ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 9 માર્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ ફાઈનલમાં સામ-સામે હશે. આ મોટી મેચમાં દરેકની નજર સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પર હશે પરંતુ આ મેચ પહેલા કોહલીને લઈને ટેન્શન વધવાના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી ઈજાગ્રસ્ત થઈ ગયો. તેને પગમાં વાગ્યું છે. ઘૂંટણની પાસે બોલ વાગ્યા બાદ કોહલીને પોતાની પ્રેક્ટિસ રોકવી પડી. તે બાદ ભારતીય ફિઝિયોએ તાત્કાલિક તેની સારવાર કરી, પ્રે લગાવ્યો અને પાટો બાંધ્યો.
રિપોર્ટમાં
દાવો કરવામાં આવ્યો છે કે મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને
કોહલી ફાઈનલ મેચમાં રમવા માટે ફિટ છે. ઈજા પહોંચ્યા છતાં કોહલી મેદાનથી બહાર થયો નથી.
તે બીજાને પ્રેક્ટિસ કરતાં જોઈ રહ્યો હતો. કોહલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં
છે. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ પૈકીનો એક છે. કોહલી જ્યારે ફાઈનલ માટે મેદાન પર
ઉતરશે તો તેની નજર એક મોટી સિદ્ધિ મેળવવાની પણ હશે જો તે 45 રન વધુ બનાવી લે છે તો
તે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. કોહલીએ એડિશનમાં
4 મેચોમાં 217 રન બનાવી દીધા છે. જેમાં તેના નામે એક સેન્ચ્યુરી અને એક ફિફટી છે. પાકિસ્તાન
વિરુદ્ધ તેણે નોટઆઉટ સેન્ચ્યુરી ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તે સૌથી વધુ
રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. પ્રેક્ટિસ સેશનમાં હેડ કોચ ગૌતમ ગંભીર પણ મુખ્ય
સિલેક્ટર અજીત અગરકરની સાથે લાંબી વાતચીત કરતો નજર આવ્યો. આ સેશન દરમિયાન ટોપ અને મિડલ
ઓર્ડરના બેટ્સમેનોએ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિદ્ર જાડેજાની ઘરેલુ
સ્પિન ચોકડીનો સામનો કર્યો અને પછી લોકલ સ્પિનરોની પણ મદદ લીધી.