• બુધવાર, 12 માર્ચ, 2025

ટીમ ઇન્ડિયા ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા : કિવિઝનું સપનું ચકનાચૂર

દુબઇ તા.9: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ શાનથી તિરંગો લહેરાવ્યો છે. ફાઇનલમાં રસાકસી પછી લડાયક ટીમ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હાર આપીને ભારતે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી છે. ન્યુઝીલેન્ડના 7 વિકેટે 2પ1 રનના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 2પ4 રન કરીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ભારતને ચમકદાર ટ્રોફી સાથે 20 કરોડ આસપાસનું ઇનામ પણ મળ્યું હતું. બીજી તરફ ન્યુઝીલેન્ડ ટીમના 2પ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરવાના ઓરતા અધુરા રહ્યા છે. કિવિઝ ટીમ વર્ષ 2000માં ફાઇનલમાં ભારતને હાર આપીને ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બની હતી. હવે આ હિસાબ પણ ટીમ ઇન્ડિયાએ ચૂકતે કર્યોં છે. ટીમ ઇન્ડિયાએ ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી છે. સૌથી પહેલા 2002માં શ્રીલંકા સાથે સંયુકત વિજેતા બન્યું હતું. આ પછી 2013માં ચેમ્પિયન બની હતી અને હવે 202પની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ભારતીય કપ્તાન રોહિત શર્માએ આક્રમક 76 રનની ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર થયો હતો. જયારે કિવિઝ ઓલરાઉન્ડર રચિન રવીન્દ્ર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.

2પ2 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને કપ્તાન રોહિત અને શુભમન વચ્ચે પહેલી વિકેટમાં 112 દડામાં 10પ રનની સંગીન ભાગીદારી થઇ હતી. ગિલ 31 રને આઉટ થયો હતો. આ પછી ચેઝ માસ્ટર કોહલી 1 રને પાછો ફર્યોં હતો. જયારે રોહિત 83 દડામાં 7 ચોકકા-3 છકકાથી 76 રને સ્ટમ્પ આઉટ થયો હતો. આમ 17 રનમાં ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટમાં 7પ દડામાં 61 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. અય્યરે 62 દડામાં 2 ચોકકા-2 છકકાથી 48 અને અક્ષરે 29 રન કર્યાં હતા. હાર્દિક 18 રને આઉટ થયો હતો. કેએલ રાહુલ ફિનિશર બન્યો હતો. તે 33 દડામાં 1 ચોકકા-1 છકકાથી 34 રને નોટઆઉટ રહ્યો હતો. જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો હતો અને 8 રને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કપ્તાન સેંટનર અને બ્રેસવેલે 2-2 વિકેટ લીધી હતી.

અગાઉ ટોસ જીતી દુબઇની ધીમી પીચ પર બેટિંગ પસંદ કરનાર ન્યુઝીલેન્ડ ટીમે પ0 ઓવરમાં 7 વિકેટે 2પ1 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી મીડલઓર્ડર બેટર ડેરિલ મિચેલ (63) અને પૂંછડિયા બેટધર માઇકલ બ્રેસવેલ (અણનમ પ3)એ અર્ધસદી કરી હતી. જ્યારે ભારત તરફથી સ્પિનર્સ કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજા-શમીના નામે 1-1 વિકેટ રહી હતી. ફાઇનલમાં ભારતીય ફિલ્ડોરોએ 3 કેચ પડતા મુક્યા હતા.

ફાઇનલમાં ન્યુઝીલેન્ડની શરૂઆત ઠીકઠાક રહી હતી અને રચિન રવીન્દ્ર-વિલ યંગ વચ્ચે પહેલી વિકેટમાં 47 દડામાં પ7 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આ જોડીને તોડવા ભારતીય કપ્તાન રોહિત શર્માએ બન્ને છેડે કાંડાના કરામતી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને અજમાવ્યા હતા. કપ્તાનનો આ નિર્ણય સાચો ઠેરવીને વરૂણ-કુલદીપ રૂપી  મિસ્ટ્ર સ્પિન જોડીએ ભારતને ઉપરાઉપરી ત્રણ સફળતા અપાવી હતી. વરુણ તેની પહેલી ઓવરમાં જ ત્રાટકયો હતો અને વિલ યંગને 1પ રને એલબીડબ્લયૂ આઉટ કર્યો હતો. આ પછી ખતરનાક રચિન રવીન્દ્રનો કુલદીપે આબાદ શિકાર કર્યો હતો. કુલદીપના પહેલા દડે જ રચિન ગૂગલીમાં કલીન બોલ્ડ થયો હતો. રચિને 29 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી 37 રન કર્યાં હતા. કિવિઝ ટીમને હજુ આ બે વિકેટની કળ વળી ન હતી, ત્યાં ટીમનો આધારસ્થંભ બેટધર કેન વિલિયમ્સન કુલદીપના દડામાં સોફટ ડિસમીસલ થયો હતો. વિલિયમ્સનનો 11 રને કુલદીપે કોટ એન્ડ બોલ કર્યો હતો.

18 રનના ગાળામાં 3 વિકેટ ગુમાવ્યા બાદ કિવિઝ ટીમે ટોમ લાથમ (114)ની વિકેટ ગુમાવી હતી. તેનો શિકાર રવીન્દ્ર જાડેજાએ કર્યો હતો. સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ભારતીય બોલરોને હંફાવીને પાંચમી વિકેટમાં પ7 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી. જો કે ફરી એકવાર ચક્રવર્તીએ ભારતને બેક થ્રુ અપાવ્યો હતો અને ફિલિપ્સને કલીન બોલ્ડ કર્યો હતો. ફિલિપ્સ પ2 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી 34 રને પાછો ફર્યો હતો.

અંતિમ ઓવરોમાં ન્યુઝીલેન્ડની રન રફતાર વધારી રહેલ ડેરિલ મિચેલ 101 દડામાં 3 ચોકકાથી 63 રન કરી શમીના દડામાં રોહિતને કેચ આપી આઉટ થયો હતો. જયારે બ્રસવેલે એક છેડો છેલ્લે સુધી સાચવી રાખીને 40 દડામાં 3 ચોકકા-2 છકકાથી પ3 રનની ઝડપી ઈનિંગ રમી ન્યુઝીલેન્ડનો ટોટલ પ0 ઓવરમાં 7 વિકેટે 2પ1 રનના સ્કોર પર પહોંચાડયો હતો. કિવિઝ કપ્તાન મિચેલ સેંટનર 8 રને રનઆઉટ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025