નડાલની સાથોસાથ દર્શકો પણ રડી પડયા
પેરિસ,
તા.26: ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનનો પ્રારંભ રવિવારથી થયો છે. ટૂર્નામેન્ટના
પહેલા દિવસે લાલ માટીના બાદશાહ રાફેલ નડાલનું ભવ્ય સન્માન થયું હતું. ફ્રેંચ ઓપનના
આયોજકો તરફથી રાફેલ નડાલને ભાવનાત્મક વિદાય આપવામાં આવી હતી. આ તકે નડાલના હરીફ અને
મહાન ટેનિસ ખેલાડીઓ રોઝર ફેડરર, નોવાક જોકોવિચ અને એન્ડી મરે કલે કોર્ટ પર ઉપસ્થિત
રહ્યા હતા. ધ કિંગ ઓફ ક્લે નામથી મશહૂર નડાલે ગત નવેમ્બરમાં તેની ટેનિસ કેરિયર સમાપ્ત
કરી છે. તે 22 ગ્રાંડસ્લેમ ટાઇટલ સાથે બીજા નંબર પર છે. ફ્રેંચ ઓપનમાં નડાલના નામે
14 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. વિદાય સમારોહમાં હજારો દર્શકો રાફેલ નડાલના નામના ટી-શર્ટ
પહેરી આવ્યા હતા. આ દરમિયાન નડાલ ભાવુક થઇ ગયો હતો અને પોતાના આંસૂ ખાળી શકયો ન હતો.
ઘણા દર્શકોની આંખ પણ ભીની થઇ ગઇ હતી. જોકોવિચ અને ફેડરરે નડાલની પીઠ પર હાથ ફેરવી સાંત્વના
આપી હતી. નડાલ પરની ડોક્યૂમેન્ટ્રી રજૂ થઇ હતી. ત્યારે દર્શકો તેમની સીટ પરથી ઉભા થઇ
ગયા હતા.
નડાલની
વિદાયના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેને ચાહકો અને અદભૂત અને
અવિસ્મરણીય બતાવી રહ્યા છે. નડાલ ફ્રેંચ ભાષામાં આભાર વ્યકત કરીને દર્શકોના દિલ જીતી
લીધા હતા.