• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

ઇકો ઝોનમાં સુધારો નહીં સંપૂર્ણ રદ કરો : મોરુકા ગીર ગામે રેલી નીકળી


ઇકો ઝોનમાં સમાવેશ એક પણ ગામમાં સિંહ તથા જંગલી જાનવરોને ખેડૂતોએ નુકસાન કર્યાનો બનાવ બન્યો નથી

 

તાલાલા ગીર, તા.30: તાલાલા તાલુકાનાં મોરૂકા ગીર ગામે ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવાની માગણી સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અગણિત સંખ્યામાં જોડાયા હતા.

મોરૂકા ગીર ગામે કાળી ચૌદસના દિવસે ગામમાં વસવાટ કરતા તમામ પરિવારો દ્વારા હનુમાન બાપાનો લોટ(નિવેદ) કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાય છે પરંતુ ખેડૂતો માટે આફતરૂપ કાળો કાયદો આવતો હોય આ વર્ષે સૌ પ્રથમ સમસ્ત ગામના તમામ પરિવારો એકત્ર થઈ ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવાની માગણી સાથે વિશાળ રેલી કાઢી હતી.

ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, ઇકો ઝોનમાં સમાવેશ તાલાલા પંથકના એક પણ ગામમાં સિંહો કે જંગલી જાનવરોને નુકસાન કર્યાનો બનાવ વનવિભાગના ચોપડે ક્યારે પણ નોંધાયો નથી. ખેડૂતોએ કાયમી સિંહોનું રખોપું કર્યું છે. કાશ્મીરમાંથી 370 કલમ દૂર થઈ શકે તો ઈકો સેન્સિટિવ ઝોન નો હજી કાયદો બની રહ્યો છે તે પ્રજા અને ખેડૂતો માટે આફતરૂપ હોય આ કાયદો બનતો કેમ અટકી શકે નહીં..?? ક્રોધિત ગ્રામજનોએ તેવા સવાલો કર્યા હતા.

મોરૂકા ગીર ગામ મતદાનનો બહિષ્કાર કરશે

ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે ઇકો ઝોન દૂર થશે નહીં તો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરી મરી જશું ત્યાં સુધી ઇકો ઝોન સામેની લડત ચાલુ રાખવાનો સત્તાવાળાઓ સામે લલકાર વ્યક્ત કર્યો હતો.

 

ગીરવાસીઓએ ઇકો ઝોનનો કાઢયો કકળાટ

 

જૂનાગઢ, તા.30 : પ્રકાશ પર્વ દીપાવલી ઉમંગ, ઉલ્લાસ, ઉજાશ પાથરવાનો તહેવાર છે, પણ ગીરનાં ગામડાઓમાં ઇકો ઝોન એ આ ઉલ્લાસ આંચકી લીધો હોય તેમ રંગોળી, ફટાકડામાં ઇકો ઝોન હટાવવાના ચિત્રો બનાવી રોષ ઠાલવ્યા બાદ આજે કાળી ચૌદસે લોકો ચાર રસ્તે કકળાટ કાઢવાની પરંપરામાં લોકોએ ઇકો ઝોનનો કકળાટ કાઢી વિરોધ વ્યક્ત કર્યો છે.

જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામને     ઇકો ઝોન હેઠળ સમાવાળા કેન્દ્ર સરકારે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરતા ચોમેરે વિરોધ ઉઠયો છે. શુકનવંતા દિવસોમાં ઘર આંગણામાં રંગોળીએ ઉમંગ, ઉલ્લાસ દર્શાવે છે. તેમાં શુભ લખાણો આલેખાય છે પણ આ પર્વમાં ઇકો ઝોન રૂપી ‘રાક્ષસ’ આગમન કરતો હોવાથી તેને ભગાડવા, ગીર ગામોના લોકોનો તહેવારનો ઉલ્લાસ ઇકો ઝોનએ આંચકી લીધો હોય તેમ લોકો રંગોળી ફટાકડામાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આટલું અપૂરતું હોય તેમ કાળી ચૌદશના સાંજે ઘરનો કકળાટ કાઢવા, વડા, ચાર રસ્તા ભેગા થાય ત્યાં મૂકી કકળાટ કાઢે છે, પણ આ વર્ષે ગીર ગામોના લોકોએ ઘરના કકળાટને ભૂલી, ઇકો  ઝોનના કકળાટ કાઢયો હતો. આ રોષને સ્થાનિક નેતાઓ પણ જાહેરમાં સમર્થન આપતા ખચકાઈ રહ્યા છે.

 

વન મંત્રી મૂળુભાઈ બેરાએ ઇકો ઝોનના

જાહેરનામા અંગે ખેડૂતો સાથે સંવાદ સાધ્યો

 

વેરાવળ, તા.30: ગીર જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સેટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે ખેડૂતો, આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હંમેશાં પ્રજાલક્ષી કાર્યો જ કરતી આવી છે. 2016થી લઈને 2024 સુધીમાં ઇકોસેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇકો સેન્સેટિવ ઝોન અંગે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અનુસાર જ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય લેવલે આવતી મુશ્કેલીઓ, સેટલમેન્ટની મુશ્કેલીઓ, વનવિભાગની જમીન વિશેના પ્રશ્નો, ખેતીલક્ષી કામમાં ખેડૂતોને પડતી અગવડતાઓ વગેરે મુદ્દાઓ વિશે પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગને પરસ્પર સંકલનથી સુનિયોજિત રીતે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં હકારાત્મક વલણ રાખી કામ કરવા માટે સૂચન કર્યાં હતાં. ઇકો સેન્સેટિવ ઝોન પરત્વેનાં જાહેરનામામાં અડચણરૂપ બાબતો, વાંધા અને રજૂઆતો ઓનલાઇન સૂચનો કરવા ખેડૂતો અને ગ્રામજનોને જણાવ્યું હતું.

ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પી. સી. શ્રીવાસ્તવે ખેડૂતોના એફ.સી.એ અંગેના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ વિશે વનવિભાગના અધિકારીઓને ત્વરીત નિરાકરણ આવે એ રીતે કામ કરવા સૂચનાઓ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક