• બુધવાર, 12 માર્ચ, 2025

મતદારની નીરસતા વચ્ચે કાલે સ્થાનિક ચૂંટણીઓનું મતદાન પ્રતિનિધિ ચૂંટવાની તક અનેક બેઠકના મતદારો પાસે રહી જ નથી

જિલ્લા-તાલુકાઓની  અને મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે થોડો અંદાજ આવશે, રાજ્ય-કેન્દ્રની ચૂંટણી તો દૂર છે

રાજકોટ તા. 14: લોકશાહીના વિવિધ સ્તર પૈકી ગ્રામ્ય કે નગર સ્તરના મતદારોનો અવાજ કહી શકાય તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર સાંજે પાંચ વાગ્યે સંપન્ન થયો છે. રવિવારે મતદાન થશે. રાજ્યમાં 68 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. નજીકમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણી નથી તેથી આ ચૂંટણીની અસરની કોઈ વિશેષ ચિંતા નથી. આમ પણ વિપક્ષ પહેલેથી નબળો હતો તેમાં ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા, બિનહરિફ બેઠકો કરાવવાની ભાજપની રણનીતિને લીધે ચૂંટણી એકતરફી અને નિરસ બની છે. આગામી દિવસોમાં તાલુકા- જિલ્લા પંચાયતોની ચૂંટણી અને તે પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જો કે મતદારોને પોતાના ઉમેદવાર-પ્રતિનિધિ પસંદ કરવાની તક જ અત્યારે રહી નથી તેથી તેમના મનોવલણ પારખી શકાય તેવી કોઈ શક્યતા નથી.

રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. 68 નગરપાલિકાની સામાન્ય-મધ્યસત્ર અને પેટા ચૂંટણી મળીને 1937 બેઠક પર મતદાન થશે. જૂનાગઢ મનપાની  અને 3 અન્ય મહાનગરપાલિકાની પેટા ચૂંટણી મળી 63 બેઠક, 3 તાલુકા પંચાયતની સામાન્ય અને 72 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની 169 બેઠક તથા 8 જિલ્લા પંચાયતની 9 બેઠકની પેટા ચૂંટણી મળી 2178 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. અત્યારે વાતાવરણ સંપૂર્ણપણે ભાજપ તરફી છે તેવું કહેવાય છે તેમ છતાં કોઈ જોખમ ન લેવાની નીતિ અપનાવીને ભાજપે ઉમેદવારી પત્રો ભરવના છેલ્લા દિવસે- મંગળવારે બાંટવા, ભચાઉ, હાલોલ, જાફરાબાદ નગરપાલિકામાં બહુમતિ સાથે બિનહરિફ બેઠકો કરતાં 4 નગરપાલિકા તો જીતી લીધી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 60માંથી 9 સીટ પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. તાલુકા પંચાયત અને પેટાચૂંટણીની 10 સીટ ઉપર ભાજપે કબજો કરી લીધો છે.

ચૂટણી પહેલાં જ ભાજપે 68 નગરપાલિકામાંથી 196 બેઠક પર જીત પ્રાપ્ત કરી છે. ભચાઉમાં 28માંથી 22, હાલોલમાં 36માંથી 19, બાંટવામાં 24માંથી 15 બેઠક ઉપર અને જાફરાબાદમાં 28માંથી 16 બેઠક ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે.  પોરબંદર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ છે. ત્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. કુતિયાણા અને પોરબંદરમાં કોંગ્રેસે એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી. કુતિયાણા નગરપાલિકા બેઠક ઉપર ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી સ્પર્ધા તો ઢેલીબહેન ઓડેદરા સામે છે ભાજપ વિરુદ્ધ નથી. રાણાવાવ નગરપાલિકામાં પણ કાંધલ જાડેજા પ્રેરિત પેનલ ગત ચૂંટણીમાં વિજેતા બની હતી આ વખતે રાણાવાવમાં તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

જો કે ચૂંટણીમાં મતદારોને કોઈ રસ નથી. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી પરંતુ પ્રચારને બદલે ઓપરેશન વધારે કર્યા. જયેશ રાદડિયાના સ્થાને પ્રશાંત કોરાટ પ્રચારક તરીકે ઉપસ્યા. વિવિધ સામાજિક નિવેદનો સતત થયા. ચૂંટણીમાં વિકાસ, લોકોની સમસ્યા વગેરે કોઈ મુદ્દા જ ચર્ચાયા નથી. કોણ ક્યા પક્ષમાંથી ક્યાં જશે તેની વાત થઈ છે. આ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં જ આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણીમાં પરાજિત થઈ તેથી ગુજરાતમાં આપનો જિર્ણ એવો ગઢ પણ તૂટી ગયો હતો. રવિવારે મતદાન થવાનું છે. તૂટેલા રસ્તા કે પીવાનું પાણી જેવી કોઈ વાત વગર આ મતદાન થશે. કેન્દ્રમાં 2029 અને રાજ્યમાં 2027ના અંતે ચૂંટણી છે. ભાજપને ટેન્શન નથી અને કોંગ્રેસને આ ચૂંટણીના પરિણામનો કોઈ ફાયદો નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025