• ગુરુવાર, 29 મે, 2025

આ પખવાડિયામાં જ ચોમાસાનાં મંડાણ

ગુજરાતમાં 15 જૂન પહેલા ચોમાસાનું આગમન થશે: સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન

રાજકોટ, અમદાવાદ તા.27: હવામાન વિભાગની આગાહીથી ગુજરાતના જગતાતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં દર વર્ષે ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એને જોતાં ગુજરાતમાં 15 જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય એવી શક્યતા છે. તેમજ હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે. આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઇ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલ નિનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ એ સક્રિય થવાની શક્યતા નથી. લા નિનો થોડા સમય માટે એક્ટિવ થઇ હાલ ન્યૂટ્રલ તરફ જઇ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યૂટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટિવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મિમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96%થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે, જ્યારે 104%થી વધુ વરસાદની શક્યતા 30% છે, એટલે કે ચોમાસું સામાન્ય કે તેથી સારુ રહેવાની શક્યતા 70% છે, એટલે જ ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસા પહેલા જ પ્રિમોન્સુને જમાવટ કરી છે. હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે હવે ચોમાસુ ગુજરાતથી 120 કિમી દૂર છે ત્યારે આગામી દિવસોમા ચોમાસાનું વિધિવત આગમન થાય તો નવાઇ નહી. જોકે આ વખતે જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શકયતાઓ ઉભી થઇ છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અને 29 મેના રોજ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે તેમાં દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં,દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કેઅમરેલી અને ભાવનગર ભારે વરસાદનું અલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આ સાથે પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે.

ગુજરાતમાં ચોમાસાના 4 મહિનામાં વરસાદની સ્થિતિ

જૂન : જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઇ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

જુલાઇ : બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઇ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે. એને લઇ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક સારો વરસાદ થઇ શકે છે. જુલાઇ અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે.

ઓગસ્ટ : મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનતાં પૂરની જેવી સ્થિતિ બની શકે છે.

સપ્ટેમ્બર : ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.

ઉકળાટ વચ્ચે આનંદ

દ્વારકા શહેરમાં અસહ્ય બફારા વચ્ચે સવારથી જ ધાબડિયું વાતાવરણ હોવાથી લોકો ભેજવાળા વાતાવરણમાં ઉકળાટ અનુભવતા જોવા મળ્યા હતા. અમુક સહેલાણીઓ ગરમીથી રાહત મેળવવા દરિયા કિનારે હાલ વિશાળ મોજાઓ પત્થરા સાથે અફડાવવા સાથે ઉત્પન્ન થતી ઊંચી લહેરોની વાછટથી આહ્લાદક ઠંડકનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા હતા.

(અંકિત સામાણી)

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક