• ગુરુવાર, 29 મે, 2025

ભારત પાંચમી પેઢીનાં યુદ્ધવિમાન બનાવશે

રાજનાથની અમલીકરણ પ્રોજેક્ટને મંજૂરી : ભારત આવાં વિમાન ધરાવતો અમેરિકા-ચીન બાદ ત્રીજો દેશ બનશે

નવી દિલ્હી, તા. 27 : સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભારતીય વાયુસેના માટે પાંચમી પેઢીનાં એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) વિકસાવવા એક સ્વદેશી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારત હવે આવા સ્ટીલ્થ યુદ્ધવિમાન ધરાવતો ત્રીજો દેશ બની શકે છે.

હાલમાં ફક્ત બે દેશ અમેરિકા (એફ-22 અને એફ-35) તથા ચીન (જે-20 અને જે-35) પાંચમી પેઢીના સ્ટીલ્થ યુદ્ધવિમાન ધરાવે છે.

ચીને પહેલેથી જ છઠ્ઠી પેઢીનું વિમાન પણ વિકસાવી લીધું છે, ત્યારે ભારતે હવે એએમસીએના વિકાસને વેગ આપ્યો છે, જેમાં અદ્યતન સ્ટીલ્થ ક્ષમતાઓ છે, જેનો હેતુ દેશની હવાઈશક્તિને નોંધપાત્ર રીતે વધારવાનો છે.

‘ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને એક મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે રક્ષામંત્રીએ એએમસીએ વિકસાવવાના એક અમલીકરણ કાર્યક્રમને મંજૂરી આપી છે અને સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી.

રાજનાથસિંહે તેને ‘એએમસીએ પ્રોટોટાઈપ વિકસાવવા માટે સ્વદેશી કુશળતા, ક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું’ ગણાવ્યું હતું, તે જે એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા (સ્વનિર્ભરતા) તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ હશે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક વિકાસ ખર્ચ આશરે રૂા. 15,000 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ) વ્યૂહાત્મક ઉદ્યોગ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે. લાઈટ કોમ્બેટ એરક્રાફટ (એલસીએ) તેજસના સફળ નિર્માણ પછી એએમસીએના વિકાસ તરફ ભારતે કદમ માંડયા છે.ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ યુદ્ધવિમાન કાર્યક્રમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક