અમદાવાદ, તા. 27: શહેરી વિકાસનાં 20 વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ-2025ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી નાખી છે તેમણે વિકાસની ગતિવિધિમાં જનભાગીદારીને સક્રિય પણે જોડવાની બ્લૂ પ્રિન્ટ આપીને શહેરોને ઊર્જાવાન બનાવ્યા છે. એટલું જ નહિ, તેમણે આ સક્રિય જન ભાગીદારીથી ગતિશીલ, સ્વચ્છ, સુંદર શહેરો ડેવલપ કરવાના વિઝન સાથે શહેરી વિકાસ કાર્યક્રમનો કાર્યક્ષમ અમલ કરાવ્યો હતો. તેના પરિણામે શહેરોને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવાની નેમ સાકાર થઈ છે અને ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર ત્રણ આંકડામાં બનતા, તેને વડાપ્રધાને શહેરી વિકાસને સમર્પિત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી ક્રમશ: વધાર્યું છે. તેના પરિણામે બે દશકામાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરી જન સુખાકારી અને સુવિધાના અનેક પ્રકલ્પો - આયામો સફળતાપૂર્વક પાર પાડયાં છે. એટલું જ નહિ, આ બે દશકમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ વર્ષે 30 હજાર કરોડથી વધુ રકમનું બજેટ શહેરી વિકાસ માટે ફાળવ્યું છે તેની પણ વિગતો તેમણે આપી હતી.