• મંગળવાર, 10 જૂન, 2025

ગુજરાતમાં કોરોનાના નવા 183 કેસ: કુલ આંકડો 900 પહોંચ્યો!

-અમદાવાદમાં એક જ દી’માં 127 કેસ સાથે કોરોનાએ રફતાર પકડી : વડોદરામાં છ માસનું બાળક સંક્રમિત

-સૌરાષ્ટ્રમાં જામનગરમાં 10, રાજકોટમાં 9 અને સાવરકુંડલામાં એક કેસ

અમદાવાદ, તા.7 : રાજ્યમાં કોરોના હવે ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ લે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 183 કેસ નોંધાવા પામ્યા છે. જેને લઈને કોરોનાના કુલ કેસનો આંકડો 900 પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાએ હવે રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાવા પામ્યા છે. જામનગરમાં 10, રાજકોટમાં 9, વડોદરામાં 6 અને સાવરકુંડલામાં એક કેસ પોઝીટીવ આવ્યો છે.

રાજકોટ : રાજકોટમાં જલારામ પ્લોટ-1માં 56 વર્ષીય ત્રી, સત્યસાઈ રોડ ઉપર 60 વર્ષીય વૃદ્ધ, ગાર્ડન સિટીમાં 46 વર્ષીય ત્રી અને 20 વર્ષીય યુવતી, બજરંગવાડીમાં 45 વર્ષીય પુરુષ, શીતલ પાર્કમાં 27 વર્ષીય પુરુષ, મવડીમાં 35 વર્ષીય પુરુષ, હાઉસિંગ સોસાયટીમાં 15 વર્ષીય કિશોર, જામનગર રોડ ઉપર 27 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ શહેરમાં આજદિન સુધીમાં કુલ 86 કેસ નોંધાયા છે જેમાં 37 દર્દીઓ સાજા થઈ જતાં એક્ટીવ કેસ 49 છે.

જામનગર : જામનગર શહેરમાં કોરાનું સંક્રમણ ધીમા પગલે સતત વધી રહયું છે. આજે 10 કેસ નોંધાવા પામ્યા છે. શહેરની ડેન્ટલ કોલેજમાં એક પુરૂષ અને એક મહિલા, પાર્ક કોલોનીમાં એક પુરૂષ, પીજી હોસ્ટેલમાં એક મહિલા, પટેલ કોલોનીમાં એક પુરૂષ, જડેશ્વરપાર્કમાં એક પુરૂષ, પવનચકકી વિસ્તારમાં એક મહિલા, ગોકુલધામમાં એક પુરૂષ, તુલસી પાર્ટી પ્લોટમાં એક મહિલા તથા ખારવા ચકલામાં એક મહિલા સહિત કુલ 10 લોકોના રિપોર્ટ પોઝીટી આવ્યા છે. જામનગરમાં કોરોનાના કુલ 65 કેસ નોંધાવવા પામ્યા છે જેમાં 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અને 47  દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે.

અમરેલી : અમરેલી જિલ્લામાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોનાનો બીજો કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામ્યો છે. સાવરકુંડલા ગામે આવેલ ખાદી કાર્યાલય નજીક રહેતા એક 27 વર્ષિય મહિલાને કોરોનાના લક્ષણો જોવા મળતાં તેમની તાત્કાલિક લેબોરેટરી તથા અન્ય મેડીકલ પરીક્ષણ કરવામાં આવતાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાનું આરોગ્ય વિભાગે જણાવેલ છે. જ્યારે મહિલાને તાત્કાલિક ધોરણે સારવારમાં ખસેડાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાવરકુંડલા આજ વિસ્તારમાંથી એક 29 વર્ષિય યુવકનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વડોદરા : વડોદરામાં લાંબા સમય બાદ કોરોના વાયરસે ફરી એક વખત દેખા દીધી છે. બે દિવસ અગાઉ 34 શંકાસ્પદ સેમ્પલની તપાસ કરતા 6 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં હતા. જ્યારે ગત રોજ 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતા. તેવામાં ગતરોજ અકોટા ગામમાં રહેતા છ માસના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના જરૂરી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જોકે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું છે.

સલાયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બે દિવસ અગાઉ બે વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતાં ભારે ફફડાટ ફેલાયો હતો જો કે, બાદમાં બન્નેની સ્થિતી સારી હતી અને ઓક્સિજન લેવલ પણ વ્યવસ્થિત હોય એમને યોગ્ય દવાઓ સાથે હોમ આઈસોલેટ કરાયા હતાં. હાલ બન્નેની સ્થિતિ નોર્મલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક