બચાવ
ટુકડીઓની દોઢ દિવસની અથાગ મહેનત ફળી નહીં
બનાવના
35 કલાક બાદ યુવતીનો દેહ બહાર આવ્યો
કલ્પેશ
પરમાર
કુકમા
(તા. ભુજ), તા.7 : ગઈકાલે સવારે પાંચથી સાડાપાંચ વાગ્યાની આસપાસ ભુજ તાલુકાના કંઢેરાઈની
વાડીમાં 450થી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 21 વર્ષીય યુવતી ઈન્દ્રાબેન કાનાભાઈ મીણા
જિંદગીનો જંગ હારી છે. ઈન્દ્રાને બચાવવા ખાસ આદરાયેલું રેસ્ક્યૂ ઓપરેશન આજે સાંજે ચાર
વાગ્યે પૂર્ણ થયું હતું. તેને બોરવેલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં તબીબે વિધિવત
મૃત ઘોષિત કર્યાં હતાં. આમ, બનાવના 35 કલાક બાદ ઈન્દ્રાનો દેહ બોરવેલમાંથી બહાર નીકળ્યો
હતો. ઈન્દ્રાને બોરવેલમાંથી ઉગારવા એનડીઆરએફ, બીએસએફ, ફાયર વિભાગ, ડિઝાસ્ટર વિભાગ,
લશ્કર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ ઉપરાંત નજીકના યુવાનોએ થાક્યા વિના દોઢ દિવસ
સુધી પ્રયાસો કર્યા હતા. કલાકો સુધી બોરવેલમાં
ફસાઈ જવાથી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાની ઈન્દ્રાનું શરીર ફૂલી ગયું હતું, જેથી
તેને બહાર કાઢવામાં આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે મહેનત કરવી પડી હતી. ગઈકાલે સવારથી આદરાયેલી કામગીરીમાં અંદાજે 300 ફૂટ
સુધી યુવતીને ઉપર લાવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્રણેક વખત હૂક છટકી ગયા હતા. આમ,
ફરી-ફરી નવેસરથી અને અલગ-અલગ રીતના પ્રયાસ બહાર કાઢવા આદરાયા હતા. યુવતી મૃત્યુ પામતાં
પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. બીજી તરફ યુવતી અનાયાસે બોરવેલમાં પડી છે કે આ આપઘાત
છે કે હત્યા? તે અંગેના સવાલોના જવાબ પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તપાસના અંતે બહાર આવશે.
હાલના તબક્કે પદ્ધર પોલીસે તેના ભાઈ સુરેશે જાહેર કરેલી વિગતોના આધારે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને યુવતીના દેહને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ અર્થે
જામનગર મોકલવાની કામગીરી આદરાઈ છે.
અગાઉ
દેશમાં બોરવેલમાં બાળકો પડયા હોવાના બનાવો અનેક સામે આવી ચૂક્યા છે, પરંતુ પુખ્ત વયની
વ્યક્તિ બોરવેલમાં પડી ગઈ હોય તે દેશનો આ પ્રથમ કિસ્સો હોવાથી બચાવ ટુકડી એનડીઆરએફ
માટે પણ પડકારરૂપ હોવાનું એસપી વિકાસ સુંડાએ ઘટનાસ્થળે મીડિયાને બચાવ કામગીરી દરમ્યાન
જણાવ્યું હતું.
દોઢ
દિવસ સુધી યુવતીને બચાવવા માટે ભારે દોડદામ ભરેલી કામગીરી જીવ તાળવે ચોટે તેવી રહી
હતી. ગઈકાલે સવારે ભુજની ફાયર ટીમે બોરવેલમાં કેમેરા ઉતારી યુવતીની સ્થિતિ જાણવા પ્રયાસ
કર્યો હતો અને ઓક્સિજન પણ પહોંચાડાયો હતો. દરમ્યાન યુવતીને બચાવા બીએસએફ, લશ્કરની ટુકડી
અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા પોલીસ કાફલો તેમજ વહીવટીતંત્ર ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
મોડી
સાંજે ગાંધીનગરથી ખાસ આવેલી એનડીઆરએફની ટીમે સમગ્ર મોરચો હાથમાં લીધો હતો. લોખંડી માંચડો
બોરવેલની ચોફેર ગોઠવી રસ્સામાં સ્પ્રિંગવાળા હૂક સાથે નીચે ઉતાર્યા હતા. રાતે નવેક
વાગ્યે હૂક ફસાયા બાદ બહાર કાઢતી વખતે હૂક છટકી ગયા હતા. આ બાદ ફરીથી નવેસરથી કામગીરી
આદરી હતી. રાત્રે ત્રણ વાગ્યે પણ 60 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી હૂક છટક્યા હતા અને બધી
મહેનત ધોવાઈ હતી. આ ઉપરાંત પણ ફરીવાર હૂક છટક્યા હતા.
આજે
સવારે છેલ્લે 20-20 ફૂટના 25 પાઈપ જોડી લાગ બનાવાયા હતા. તેના છેડે હૂક લગાવી બોરવેલમાં
ઉતારાયા હતા. આ હૂક વેલ્ડિંગ મશીનથી તાત્કાલિક સ્થળ પર જ તૈયાર કરાયા હતા. બપોરે એકાદ
વાગ્યે આ પાઈપના લાગ બોરવેલમાં ઉતારતાં તેના હૂક યુવતીની બગલ પાસે બરોબર લાગી જતાં
તેને ઉપર ખેંચવાનું શરૂ કરાયું હતું અને ભારે ચીવટ માગી લેતી આ ખેંચવાની કામગીરી ત્રણ
કલાક ચાલી હતી અને ચારેક વાગ્યાના અરસામાં યુવતીને બોરવેલમાંથી કાઢી તુરંત હોસ્પિટલ મોકલાઈ હતી. આજે સવારે પણ ઘટનાસ્થળે
એસ.પી. શ્રી સુંડા, ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયન અને અજમાઈશી ડીવાયએસપી શ્રી ચોવટિયા
હાજર રહી માર્ગદર્શન આપતા હતા.
આ કામ
માટે પોતાની બોરવેલની ઘોડી લઈને કુકમાના રાજેશ આહીર, શૈલેષ આહીર, મંગલ આહીર સતત કામગીરીમાં
લાગ્યા હતા. સાથે જિજ્ઞેશ આહીર (રતનાલ), હિતેશ આહીર (કંઢેરાઈ), રમેશ આહીર (વાવડી),
પ્રેમજી વણકર વગેરએઁ મહેનત કરી હતી. પાણી પુરવઠાના એક્ઝિક્યુટીવ ઈજનેર ભૂમિબેન રાવલ
સતત કાર્યશીલ હતાં. ગઈકાલથી મદદ માટે આવેલા પદ્ધરના રાજેશ આહીર, ભરતસિંહ સોઢા (કુકમા
ઉપસરપંચ),તા.પં. પ્રમુખ વિનોદ વરસાણી, હરિ હીરા જાટિયા, વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કુકમા પીએચસીની ટીમ પણ આજે આવી હતી. દરમ્યાન સાંજે
મળેલી માહિતી મુજબ બચાવ કામગીરીમાં બે દિવસથી સતત મહેનત કરનાર યુવાનો, બોરવેલ કામગીરી
કરનાર યુવાનોને આજે જ સન્માનિત કરવા એસપી કચેરી ભુજ બોલાવાયા છે. વાડી વિસ્તારના અનેક
નામી-અનામી સેવાભાવીઓ પણ મદદે આવ્યા હતા.