ગુજરાતમાં વાવેતર વધ્યું છે એવામાં
ઠંડી ફાયદેમંદ સાબિત થતા વધતો આશાવાદ
રાજકોટ, તા.6 (ફૂલછાબ ન્યૂઝ)
: ફેબ્રુઆરીના પંદર દિવસ માવઠા વિના માફકસર ઠંડી સાથે હેમખેમ પસાર થઇ જાય તો શિયાળુ
પાકનું બમ્પર ઉત્પાદન થવાના સંજોગ છે. ખરીફ સીઝનમાં પણ પાક ખૂબ સારાં ઉતર્યા પછી હવે
ખેડૂતોને રવી પાક અંગે પણ આશાવાદ છે. શિયાળુ પાક વાવેતરને દોઢ મહિનો પસાર થઈ ગયો છે,
આ સમયગાળામાં મોસમ ખેતી અને ખેડૂતોને સાથ આપનારી રહી છે એટલે અત્યારે કોઈ સમસ્યા એકપણ
પાકને નથી. આમ વાવેતર થયા પછી અર્ધો સમય પસાર થઈ ગયો છે. દોઢ માસ સારી ઠંડી પડે અને
માવઠા ન થાય તો ખેડૂતોને મોટા ઉતારાનાં રૂપમાં શિયાળુ પાકના ઢગલા થશે.
પાછલા એકાદ મહિનાથી ઠંડીએ સમગ્ર
ગુજરાતને બાનમાં લીધું હોય એવી સ્થિતિ છે. જોકે શિયાળુ પાકને ભરપૂર ફાયદો છે. તમામ
પાકમાં ફૂલ બેસવાની અને દાણા ભરાવાની પ્રક્રિયા સારી રીતે થઈ રહી છે. કૃષિ ખાતાએ ગુજરાતમાં
પાછલાં વર્ષ કરતા પાંચ ટકા વધારે વાવેતર નોંધ્યું છે ત્યારે મોસમનો સાથ વધારે ફાયદેમંદ
છે.
રાજ્યમાં 47.54 લાખ હેક્ટર જમીનમાં
શિયાળુ વાવેતર થઈ ગયા છે. પાછલા વર્ષના 45.20 લાખ હેક્ટર કરતા તે વધારે છે. સરેરાશ
વાવેતર 46 લાખ હેક્ટર આસપાસ થાય છે, તેનાં કરતાં વાવેતર 3 ટકા વધારે થયું છે. રાજકોટના
એક અભ્યાસુ ખેડૂત કહે છે કે, ડિસેમ્બરના અંતે માવઠાંની આગાહીથી ખેડૂતોના જીવ ઉચ્ચક
થઈ ગયા હતા. જોકે માવઠાં થયાં નથી એટલે રાહત છે. આવનારા દોઢેક મહિનામાં વાતાવરણમાં
મોટાં બદલાવ ન આવે તો શિયાળુ પાકનાં ઉત્પાદનમાં મોટો વધારો નિશ્ચિત દેખાય છે.
ગુજરાતમાં ઘઉં, મકાઈ, ચણા, જીરું,
સવા, ઇસબગુલ, ડુંગળી, બટાટા જેવા પાકોનાં વાવેતર સામાન્ય કરતા વધારે થઈ ગયા છે. એ સારી
નિશાની છે. ઘઉં અને ચણામાં બમ્પર ઉત્પાદન થાય તેવા સંકેત અત્યાર થઈ મળવા માંડયા છે.
જીરુંમાં વ્યાપક મંદી પછી પણ વાવેતર વધારે થયા છે.