• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

રાજકોટવાસી ઠૂંઠવાયા : 8.2 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી વહેલી સવારે શીતલહેરથી જનજીવન પ્રભાવિત : નલિયામાં 6.4 ડિગ્રી

3 દિવસ ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે : ઉ.ભારતના બર્ફીલા પવનો ગુજરાત પર ફૂંકાતાં અનેક સ્થળોએ તાપમાન 1થી 5 ડિગ્રી ગગડયું

રાજકોટ, અમદાવાદ, તા.6 : રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી તાપમાનમાં આંશિક ઘટાડા બાદ આજે ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેમાં રાજકોટમાં 8.2 ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડી પડતા લોકો ઠૂંઠવાયા હતા. આ સિવાય નલિયામાં પણ 6.4 ડિગ્રી તાપમાન સાથે સતત ઠંડું શહેર રહ્યું છે જ્યારે અમરેલી-ભૂજ-પોરબંદર સહિતનાં શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી નીચે સરકી ગયો છે.

ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂંકાતાં રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડયું છે. આગામી 3 દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશ: વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી હશે. રાજકોટ શહેરમાં આજરોજ સવારે 8.2 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન પહોંચી જતા લોકોએ જોરદાર ઠંડી અનુભવી હતી. સાથોસાથ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોએ પણ આજે સપાટો બોલાવી દીધો હતો અને આ તીવ્ર ઠંડીની અસર જનજીવન ઉપર પણ દેખાઈ હતી. આજે પવન સાથે ઠંડીનું જોર વધુ રહેતા શહેરીજનો ગરમ સ્વેટર, ટોપી શોધવાની સ્થિતિ આવી હતી.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. જેનાં પગલે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાયણ સુધીમાં ગુજરાતમાં હજી પણ ભારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. પડોશી રાજ્યમાં આવેલાં હિલસ્ટેશનમાં પણ અત્યારે તાપમાન માઇનસમાં પહોંચી જતાં તેની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. આગામી દિવસોમાં લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

ભાવનગર: શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. આજે શહેરનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. આમ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

ગિરનાર ઉપર 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાપમાનનો પારો દોઢ ડિગ્રી નીચે ઉતરતા અને પવનની ઝડપ વધતા સર્વત્ર ઠંડાગાર છવાયો છે. લોકો ઠંડીથી બચવા ગરમ વત્રોમાં ઢંકાયા છે. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકે મુશ્કેલીમાં મુકાયા હતા. જૂનાગઢમાં ન્યુનતમ તાપમાન 14.9 ડિગ્રી તથા પવન 8.9 કિ.મી. નોંધાયો છે જ્યારે ગિરનાર પર્વત ઉપર તાપમાન 9.9 ડિગ્રી અને પવનની ઝડપ 70 કિ.મી. થતાં સલામતીનાં કારણોસર સવારથી ગિરનાર સેવા બંધ રખાતા, પ્રવાસીઓ રઝળ્યા હતા. આમ સોરઠમાં કાતીલ ઠંડીનાં મોજાથી સર્વત્ર ઠંડાગાર છવાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક