• રવિવાર, 26 એપ્રિલ, 2026

રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો

અમરેલીમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન  મતદાનના દિવસે ‘આગ’ ઓકશે સૂરજદાદા

ગરમીના કારણે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચશે કે કેમ તેને લઇને પક્ષોની ચિંતા વધી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, અમરેલી, તા.25 : રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે  યોજાનાર મતદાનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ મતદાનના દિવસે આકરી ગરમીનો પ્રકોપ રહે તેવી આગાહી  હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ  મુજબ, મતદાનના દિવસે મતદારોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.

 ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ અત્યંત વધારે રહેશે. આ સંજોગોમાં ગરમીના કારણે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચશે કે કેમ તેને લઇને પક્ષોની ચિંતા વધી છે. કાળઝાળ ગરમીમાં વધુમાં વધુ મતદાન કેમ કરાવવું એ એક પડકાર બની રહેશે. આકરી ગરમી રાજકીય પક્ષો અને મતદારો બંને માટે પડકારરૂપ સાબિત થશે.

હવામાન નિષ્ણાતોના મતે, 26થી 28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. આવતીકાલે 26 એપ્રલના રોજ વડોદરા, નડિયાદ, આણંદ અને કપડવંજ જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને તાપમાન 44 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેને પગલે હવામાન વિભાગે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.

રાજ્યમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં પારો 43.7 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. માત્ર અમરેલી જ નહીં, પરંતુ તેની પાછળ રાજકોટ 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગર 43.0 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીની ચપેટમાં છે. જૂનાગઢમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે. જો કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં ચાલુ ઉનાળાની સિઝનમાં આજે ફરી એક વખત તાપમાનમાં વધારો થતાં તાપમાન 43-7 ડિગ્રી સુધી પહોંચી જતાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર બન્યુ છે. લોકો ઉનાળાના આકરા તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અમરેલી શહેરમાં આજે બપોરનાં સિઝનમાં સૌ વખત તાપમાન 43-7 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો કામ વગર ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં શહેરની મુખ્ય બજાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતાં.

વડોદરા અને ભુજમાં પણ પારો 41 ડિગ્રીની ઉપર સ્થિર રહ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો એવા કંડલા અને કેશોદમાં 42.0 ડિગ્રી તાપમાનને કારણે બફારા અને ગરમીનું બેવડું જોર જોવા મળ્યું છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિએ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં  વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.

ટાઢા પો’રે મતદાન કરવા જવાની સલાહ

હવામાન નિષ્ણતોની 26 એપ્રિલના રોજ રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને ટાઢાપો’રે મતદાન કરવા જવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન ખૂબ વધી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી સવારના સમયગાળામાં મતદાન કરવું વધુ અનુકૂળ રહેશે.

હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર રાખવા હોસ્પિટલોને સૂચના

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ’હીટ એક્શન પ્લાન’ અમલમાં મૂકવામાં આવ્યો છે. ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચવા માટે લીંબુ શરબત, છાસ અને પાણીનું વધુ સેવન કરવા જણાવાયું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં પણ હીટસ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક