• રવિવાર, 26 એપ્રિલ, 2026

ગેસ મોંઘો મળતા સિરામિક પ્રોડક્ટ્સમાં ભાવવધારો

મોરબીમાં સિરામિકના 250 કારખાના શરૂ : સ્ક્વેર ફૂટ દીઠ રૂ. 8નો ભાવવધારો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા. 25 :0 મોરબીમાં સિરામિકનાં ત્રીજાભાગનાં યુનિટો ગેસનો પુરવઠો સરળ બનતા શરૂ થઈ ચૂક્યા છે. અલબત્ત, ગુજરાત ગેસ દ્વારા ભાવ ઊંચો કરી દેવાયો છે તેનાં પરિણામે ઉત્પાદન પડતર વધી ગઇ છે. ઉદ્યોગકારોએ સિરામિકની તમામ ચીજોમાં ભાવવધો કરી દીધો છે. ઉદ્યોગકારોએ સ્ક્વેર ફૂટ દીઠ રૂ. 8નો ભાવવધારો ઝીંક્યો છે.

મોરબી સિરામિક ઉત્પાદક સંગઠનના એક સભ્યએ કહ્યું કે, મોરબી અને આસપાસમાં આશરે 250 જેટલા કારખાનાઓમાં આઠ દિવસથી ઉત્પાદન કાર્ય શરૂ થઈ ગયું છે. 15 એપ્રિલથી ધીરે ધીરે યુનિટ શરૂ કરવામાં આવી રહ્યા છે. અત્યારે ગેસનો વપરાશ 22-23 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી ચૂક્યો છે. એક સપ્તાહ પછી અર્થાત્ 1 મેથી પાંચસો જેટલા કારખાનાઓ ધમધમતા થઈ જશે ત્યારે ગેસનો વપરાશ વધીને બમણો થઈ જવાની ગણતરી છે. તેમણે કહ્યું કે, લગભગ પોણા બે મહિના શટડાઉનની  સ્થિતિ પછી ગેસના પુરવઠા બાબતે ગુજરાત સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે ગુજરાત ગેસ સાથે મળીને નિયમિત ઢબે પુરવઠો વહેતો રાખવા રજૂઆત કરી હતી. એ પછી કારખાનાઓએ ઉત્પાદન શરૂ કર્યું છે.

મોરબી અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 750 જેટલા સિરામિક યુનિટ આવેલાં છે. મે મહિનાના અંતે તમામ શરૂ થઈ જાય એવી પણ ગણતરી છે. જોકે બધા યુનિટ ચાલુ થાય તો ગેસનો વપરાશ 75 લાખ ક્યૂબિક મીટર જેટલો રહેશે. તેમણે ઉમેર્યું કે, પ્રોપેગ ગેસથી ચાલતા હોય એવા હજુ એકપણ યુનિટ શરૂ થઈ શક્યું નથી.

અન્ય એક ઉદ્યોગકારે કહ્યું કે, દોઢેક મહિનાથી બજારમાં સિરામિકનો પુરવઠો ઠપ હતો. જોકે બીજી તરફ માગ અને ઓર્ડર આવતા હતા એટલે અત્યારે મોંઘવારીમાં પણ ઉત્પાદન ચાલુ રાખવું પડી રહ્યું છે. ગેસનો ભાવ રૂ. 42 વાળો અત્યારે રૂ. 73 કરી દેવામાં આવ્યો છે તેનાં પરિણામે સિરામિક પ્રોડક્ટ્સમાં સ્ક્વેરફૂટ દીઠ રૂ. 8નો વધારો કરી દેવામાં આવ્યો છે.

અગાઉ શટડાઉનને લીધે મજૂરો વતન જતા રહ્યા હતા. તેમને અઠવાડિયા પૂર્વે જાણ કરી દેવામાં આવી હતી એટલે ધીરે ધીરે મજૂરો આવી રહ્યા છે. આમ મજૂરોની સમસ્યા નડે તેમ નથી. હવે ઇરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ પૂરું થાય તેના બે ત્રણ મહિના પછી ઉદ્યોગ પૂર્વવત્ સ્થિતિમાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક