(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આવતીકાલે તા.26ના યોજાનારી સ્થાનિક સ્વરાજની
ચૂંટણી માટે રાજ્યના તમામ નાગરિકોને એક અપીલ કરતા જણાવ્યું છે કે, લોકશાહીને મજબૂત
બનાવવા માટે દરેક નાગરિકનો મત અત્યંત કિંમતી છે. રાજ્યના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ
જવા માટે વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના મંત્રને સાર્થક કરવા વધુમાં વધુ મતદાન કરવા
પર ભાર મૂક્યો છે. નાગરિકોને માત્ર સ્વયં મતદાન કરવા જ નહીં, પરંતુ પોતાના પરિવાર અને
મિત્રોને પણ આ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા વિનંતી કરી છે.
મુખ્યમંત્રી,
નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે ઉમેર્યું છે કે, જ્યારે સમાજનો દરેક વર્ગ ઉત્સાહભેર
મતદાન પ્રક્રિયામાં જોડાશે, ત્યારે જ સાચા અર્થમાં જનપ્રતિનિધિત્વ સાબિત થશે. વહીવટી
તંત્ર દ્વારા પણ 100 ટકા મતદાન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અને જાગૃતિ અભિયાન
હાથ ધરવામાં આવ્યા છે. તમારા દ્વારા આપવામાં આવેલો દરેક મત રાજ્યના વિકાસને વેગ આપવાનું
કામ કરશે. આ ચૂંટણી માત્ર પ્રતિનિધિઓ પસંદ કરવા માટે નથી, પરંતુ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય
માટેનો પાયો છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોનો ઉત્સાહ લોકશાહીની તાકાત
છે. લોકશાહીના આ પર્વમાં યુવાઓની ભાગીદારીથી જ પરિવર્તન અને પ્રગતિ શક્ય બનશે.