• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

બહેનને ભગાડી હોવાનાં મન:દુખમાં ઇસમો પરિવારને ઉપાડી ગયા

કાલાવડના ધુનધોરાજીમાંથી માતા અને બે સંતાનનાં અપહરણ, ચાર પકડાયા

જામનગર, તા.7 : કાલાવડના ધુનધોરાજી ગામે માતા અને બે સંતાનનાં અપહરણ પ્રકાણમાં પોલીસે ચાર ઇસમને દબોચી લીધા છે. યુવતીને ભગાડી હોવામાં મદદ કરી હોવાની શંકા રાખી અપહરણ કરાયું હોવાનું ખૂલ્યું. ધુનધોરાજી ગામમાં ભાગમાં ખેતર વાવી ત્યાં કામ કરતા કૈલાસભાઈના પરિવારનું અપહરણ થયું હતું. વિક્રમ રામસિંગ દેહીજા અને ગોટુ માવી સહિતના ચાર શખસે કૈલાસભાઈના પત્ની ઉષાબેન, પુત્રી નિશા, પુત્ર ઉમેશને મારી મારી બળજબરીથી કારમાં બેસાડી દઈ અપહરણ કરી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસ સમક્ષ કૈલાસભાઈએ જણાવ્યા મુજબ તેમના સાળા દિનેશે થોડા દિવસ પહેલાં વિક્રમની બહેનને ભગાડી હતી. તે કૃત્યમાં દિનેશને બહેન ઉષાબેન તથા તેમના સંતાનોએ મદદ કરી હોવાની આશંકા વિક્રમને પડતા તેણે મારકૂટ કરી અપહરણ કર્યું છે. તે પછી પોલીસે નાકાબંધી કરાવી હતી. તે દરમિયાન વડોદરાથી વાસદ તરફ જવાના ધોરીમાર્ગ પર સફેદ રંગની કાર પસાર થઈ હતી. તે પહેલાં કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ વી. એ. પરમાર તથા તેમની ટીમ અપહરણકારોનો પીછો કરી રહ્યા હતા. તેઓએ આણંદ જિલ્લાના ઝરોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વિગતો આપી હતી. તેથી ઝરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વડોદરાથી પાવાગઢ વચ્ચેના રોડ પર નાકાબંધી કરીને ઉભો હતો. તે સ્ટાફે કાર રોકાવી લીધી હતી. તે વાહનની તલાસી લેવાતા કૈલાસભાઈનાં પત્ની, પુત્રી અને પુત્ર તેમજ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિક્રમ જમસિંગ દેસાઇ, શમસેર પારમસિંગ માવી, ગનુ રંગસિંગ માવી, ગુડ્ડુ કાદીભાઈ માવી નામના ચારેય શખસ મળી આવ્યા હતા. ત્રણેય અપહૃત અને ચાર અપહરણ કારની પોલીસે અટકાયત કરી લઈ તેનો કબજો કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક