જામનગર, તા.6 : કાલાવડ પંથકમાં
ખેતમજૂરી કામ કરતા યુવાનનો સાળો એક યુવતીને ભગાડી લાવ્યો હોય તેનો ખાર રાખીને યુવતીના
પરિવારે યુવાનની પત્ની-પુત્રી સહિત ત્રણના બોલેરોમાં અપહરણ કરી નાસી છુટયાનો બનાવ બનતા
ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે ગુનો નોંધી અપહરણકારોની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ
તાબેના ધુનધોરાજી ગામે વાડી ભાગમાં રાખી વાવવાનું કામ કરતા કૈલાશ આદિવાસી નામના યુવાને
વિક્રમ સમસીંગ દેહીજા, ગોટુ માવી અને બે અજાણ્યા શખસો માતા-પુત્રી સહિત ત્રણના બોલેરોમાં
અપહરણ કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં ફરિયાદી કૈલાશ આદિવાસીનો સાળો દિનેશ અપહરણકાર વિક્રમ સમસીંગ દેહીજાની બહેનને
ભગાડી આવ્યો હોય તેનો ખાર રાખીને વિક્રમ સહિતના શખસો રવિવારે વહેલી સવારે બોલેરો લઈને
આવ્યા હતા અને કૈલાશની પત્ની ઉષા અને પુત્રી નીશા સહિત ત્રણેને મારકૂટ કરી અપહરણ કરી
નાસી છુટયા હતા. પોલીસે અપહરણકારોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.