રાજકોટ, તા.6 : રાજકોટમાં શિક્ષણ
જગતને અને ગુરુની ગરીમાને લાંછન રુપ લગાડતી ઘટના પ્રકાશમાં આવી હતી. બેડી વાછકપર ગામે
આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આઠેક છાત્રાઓને લંપટ શિક્ષકે એક વર્ષ સુધી બીભત્સ
વીડિયો બતાવી છેડતી કર્યાનો મામલો વાલીઓ સુધી પહોંચતા સમગ્ર ઘટના પોલીસ મથકે પહોંચી
હતી. આ બનાવ અંગે પોલીસે એક વાલીની ફરિયાદ પરથી લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ
શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બેડી
વાછકપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ- પ અને 6ની આઠેક છાત્રાને બીભત્સ
વીડિયો બતાવી અડપલા કર્યાનો કિસ્સો વાલીઓ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવના
પગલે વાલીઓ કુવાડવા રોડ પોલીસ મથકે દોડી ગયા હતા અને લંપટ શિક્ષક કમલેશ જે. અમૃતિયા
વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી.
આ મામલે પીઆઈ બી.પી.રજીયા તથા
સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ભોગ બનનાર બાળાઓની
પૂછતાછ કરી હતી અને સધળી હકીકત જાણી હતી.જેમા બાળાઓએ અનેક ચોકાવનારી વિગતો આપી હતી.
લંપટ શિક્ષક કમલેશ અમૃતિયા એક વર્ષથી બાળાઓને અલગ અલગ સમયે બોલાવી જ્યાં સીસીટીવી કેમેરાના
નથી તે શાળાના પાછળના
ભાગમાં લઈ જઈ મોબાઈલમાંથી બીભતસ
વીડિયો બતાવી અડપલા કરતો હતો. આથી કંટાળી ગયેલી બન્ને છાત્રા બહેનોએ ધેર જઈ માતાને
વાત કરી હતી અને બાદમાં બન્ને છાત્રાની માતાએ આ સ્કૂલમાં અભ્યાસ કરતી અન્ય છાત્રાની
માતાઓ સાથે વાત કરતા સહુ ચૌંકી ઉઠયા હતા અને બાદમાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે
પણ આ મામલે છાત્રાઓ સાથે વાતચીત કરી સધળી હકીકત જાણી હતી અને શાળામાં પણ તપાસ કરવામા
આવી હતી. જ્યાંથી પોલીસને અમુક પુરાવા મળી આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે છાત્રાની
માતાની ફરિયાદ પરથી મૂળ ત્રાકુડાના શિક્ષક કમલેશ જે.અમૃતિયા વિરુદ્ધ પોસ્કો સહિતની
કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. તેમજ આ શાળામાં શિક્ષક કમલેશ અમૃતિયાની
પત્ની પણ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પોલીસે તેનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી
હતી.