• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સરપદળ ભાઈને રાખડી બાંધી પરત આવતી વખતે અકસ્માતમાં ઘવાયેલી બહેનનું મૃત્યુ

ન્યારા પાસે સર્જાયેલો અકસ્માત : 5 સંતાને માતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ, તા.14: રક્ષાબંધનના દિવસે ભાઈને સરપદળ ગામે ભાઈને રાખડી બાંધી પરત આવતી વેળાએ અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. પુત્રના બાઈક પર ઘરે આવતા હતા ત્યારે ન્યારાના પાટિયા પાસે અકસ્માત સર્જાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ગત રાત્રે મૃત્યુ નીપજતા પાંચ સંતાને માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

રાજકોટના રૈયાધારમાં રહેતા રંજનબેન પ્રવિણભાઈ વઢવાણીયા (ઉં.42) રક્ષા બંધનના દિવસે પોતાના માવતર સરપદળ ખાતે ભાઈઓને રાખડી બાંધવા ગયા હતા. રક્ષાબંધનના બીજા દિવસે ગઈ તારીખ 10/8ના રોજ રાત્રે પુત્ર દિલીપભાઈના મોટરસાઇકલ પાછળ બેસીને સરપદળથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ન્યારા ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા બાઈક સાથે અકસ્માત થતા માથે શરીરે ઇજા થતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં રંજનબેનને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરીઓ હોવાનું અને તેના પતિ પ્રવીણભાઈ શાકભાજી વેચવાનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે મહિલાના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક