સુરેન્દ્રનગર: જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ મીઠાપરાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ગંભીર હાલતમાં તેને તુરંત વધુ સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રાજેશભાઇની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. આ બનાવના કારણે તેઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજેશભાઇએ પોતાના ગામ ગોખરવાડા ગામે વાડી વિસ્તારમાં જઇ ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો છે. આમ અચાનક પોલીસ કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ વિભાગમાં પણ ઘેરો શોક વ્યાપી ગયો છે. આ બનાવની જાણ થતા ડીવાયએસપી વિશાલ રબારી સહિત અન્ય અધિકારીઓ તુરંત દોડી ગયા હતા. રાજેશભાઇ એકદમ સરળ સ્વભાવના હોવાને કારણે પોલીસ કર્મચારીઓમાં પણ પ્રિય હતા આમ તેના અચાનક આપઘાતથી પરિવાર તથા મિત્ર સર્કલમાં પણ શોકની લાગણી વ્યપી ગઇ છે.