તળાજા, તા.26 : અલંગમાં ગઈકાલે 13 વર્ષની સગીરા સાથે 62 વર્ષના ડોસાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. દરમિયાન આજે અલંગ પોલીસ સ્ટેશનમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ નોંધાતા પોલીસ દોડતી થઇ ગઈ છે. મોડી રાત્રે એક જ ખોલીમાં રહેતા યુપીના શ્રમિકને સાથી મિત્ર ઝારખંડના શખસે 3800 રૂપિયાની લેતીદેતી પ્રશ્ને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દઈ નાસી જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ
અલંગ શીપ યાર્ડમાં પ્લોટ નંબર 24/0 સામે મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી છે.
અહીં યુપીથી પેટિયું રળવા આવેલા યોગેન્દ્ર માલી સૈની (ઉં.51) અને ઝારખંડનો ટેકલાલ મહંતો
બન્ને એક જ ખોલીમાં રહી મજૂરી કરે છે. ગત મોડી રાત્રે બન્ને વચ્ચે 3800 રૂપિયાની લેતીદેતી
પ્રશ્ને માથાકૂટ થઇ હતી. દરમિયાન આવેશમાં આવી ટેકલાલે યોગેન્દ્રને બોથડ પદાર્થના ઘા
ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં જ ત્યાં ઢળી પડયો હતો મિત્ર ઉપર હુમલો કરી ટેકલાલ
નાસી છૂટયો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા યોગેન્દ્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની પોલીસને મોડેથી જાણ થતા
અલંગ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલે ખસેડયો હતો.
મૃતક અહીં એકલો જ રહેતો હોવાથી પાડોશીને ફરિયાદી બનાવી હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા
ટેકલાલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.