• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

માલપુર નજીક હિટ એન્ડ રનમાં બે પદયાત્રીનાં મૃત્યુ : એક ગંભીર

દાહોદથી અંબાજી જતો હતો સંઘ : પોલીસે તપાસ હાથ ધરી

મોડાસા, તા.27: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક દુ:ખ ઘટના બની હતી. દાહોદથી અંબાજી તરફ જઇ રહેલા પદયાત્રા સંઘને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રન ઘટનામાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોના નામ સુરેશ વાસના ડામોર (ઉ.વ.42) અને દિનેશ રાઠોડ સીસોદીયા (ઉ.વ.45) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ માલપુર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખસેડયા છે. ઇજાગસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે મોડાસા રિફર કરવામાં આવ્યો છે.

દાહોદથી અંબાજી સુધી પદયાત્રીઓનો સંઘ જતો હતો, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે પદયાત્રીઓએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો અકસ્માત સર્જી વાહનચાલક ફરાર ઘઇ ગયો હતો.

માલપુર પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું. કે આસપાસના સીસીટીવી તથા સ્થળ પરથી મળેલા પુરાવા આધારે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી પદયાત્રી સંઘ તેમજ વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક