• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

કરદાતાઓને ટેક્સમાં નહીં, ઝંઝટમાંથી રાહત

1 એપ્રિલથી લાગુ થશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ : પ્રક્રિયા સરળ બનાવવાની નેમ : વિદેશમાં અભ્યાસ અને પ્રવાસ કરનારને ટીસીએસમાં રાહત

નવીદિલ્હી, તા.1 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટ-2026માં કરદાતાઓ માટે અનેક મહત્ત્વની ઘોષણાઓ કરી છે. ભલે બજેટમાં ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ આ વખતનાં બજેટમાં સરકારે માત્ર કરનો ભાર ઘટાડવાનો પ્રયત્ન કર્યો નથી પણ દાયકાઓ જૂના કર કાયદાઓમાં ફેરફાર કરીને તેને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) સુધારવા માટે પહેલાં કરતાં વધુ સમય મળશે. સાથે જ વિદેશમાં અભ્યાસ અને પ્રવાસ પર થતો ખર્ચ પણ ઓછો થશે. બજેટ 2026 પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર ટેક્સ નિયમોને વધુ સરળ બનાવવા માગે છે. વધારે સમયમર્યાદા, ઓછો ટીસીએસ, સરળ પ્રક્રિયા અને ટેક્સ ફ્રી રાહતથી સામાન્ય લોકોને રાહત મળી શકે છે. આવનારા દિવસોમાં જ્યારે નવા નિયમો અને ફોર્મ જાહેર થશે ત્યારે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે આ બજેટને કરદાતાઓ માટે રાહતભર્યું માનવામાં આવી રહ્યું છે.

1 એપ્રિલથી લાગુ થશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે 1 એપ્રિલથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવશે. તેનો હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને સમજવામાં સહેલી બનાવવાનો છે. સરકાર ટૂંક સમયમાં તેના નિયમો અને નવા રિટર્ન ફોર્મ પણ જાહેર  કરશે જેથી કરદાતાઓને કોઈ મુશ્કેલી ન પડે.

રિવાઇઝ્ડ રિટર્ન ભરવા માટે હવે વધુ સમય

હવે ઇન્કમ ટેક્સ રિટર્નમાં ભૂલ સુધારવા માટે વધુ સમય મળશે. સરકારે રિવાઇઝ્ડ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવાની ભલામણ કરી છે. જો કે તેના માટે નાની ફી ચૂકવવી પડશે, પરંતુ જે લોકો સમયસર ભૂલ સુધારી શકતા ન હતા તેમને તેનો લાભ મળશે.

રી-અસેસમેન્ટ બાદ પણ રિટર્ન અપડેટ કરવાની તક

રી-અસેસમેન્ટ થયા પછી પણ કરદાતાઓને પોતાનું રિટર્ન અપડેટ કરવાની તક મળશે. આથી લોકોમાં ભય અને તણાવ ઓછો થશે અને ટેક્સ સંબંધિત ભૂલો સુધારવી વધુ સરળ બનશે.

નાના કરદાતાઓ માટે સરળ અને ઓટોમેટિક સિસ્ટમ

બજેટ 2026માં નાના કરદાતાઓ માટે નિયમ આધારિત અને ઓટોમેટિક પ્રક્રિયા લાવવાનો પ્રસ્તાવ છે. તેનો અર્થ એ છે કે નાના કેસોમાં ટેક્સ સંબંધિત નિર્ણયો સિસ્ટમ દ્વારા લેવાશે અને લોકોને ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે.

 

અભ્યાસ અને સારવાર માટે વિદેશ મોકલેલા પૈસા પર ટીસીએસ ઓછો

સરકારે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં અભ્યાસ અને તબીબી સારવાર માટે મોકલવામાં આવતા નાણાં પર ટીસીએસ એટલે કે સ્રોત ઉપર વસૂલાયેલા વેરાનો દર ઘટાડવાની જાહેરાત કરી છે. અગાઉ જ્યાં 5 ટકા ટીસીએસ લાગતો હતો, હવે તેને ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પરનો ભાર ઓછો થશે.

 

વિદેશ પ્રવાસ કરનારાઓને પણ રાહત

સરકારે વિદેશી ટૂર પેકેજ પર લાગતો ટીસીએસ પણ ઘટાડીને 2 ટકા કર્યો છે. અગાઉ તે 5 ટકા હતો અને તે પહેલાં 20 ટકા સુધી હતો. હવે તેમાં ન્યૂનતમ રકમની કોઈ શરત નહીં હોય, જેથી મુસાફરીનો ખર્ચ થોડો ઓછો થઈ શકે છે.

 

વિદેશી મિલકતો જાહેર કરવા માટે ખાસ તક

નાણામંત્રીએ વિદ્યાર્થીઓ, ટેક પ્રોફેશનલ્સ અને વિદેશથી પરત આવેલા લોકો જેવા નાના કરદાતાઓ માટે છ મહિનાની ખાસ સ્કીમનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના વિદેશી મિલકતની માહિતી ઓછી ઝંઝટ સાથે આપી શકશે.

 

અકસ્માત વળતર રકમ હવે ટેક્સ ફ્રી

કરદાતાઓને રાહત આપવા માટે બજેટમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ પાસેથી મળતી રકમ પર હવે કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગે. સાથે જ તેમાં ટીડીએસ પણ કપાશે નહીં. આથી અકસ્માત પીડિતો અને તેમના પરિવારને સીધો લાભ મળશે.

 

અપીલ દરમિયાન પેનલ્ટી પર વ્યાજ નહીં

જો કોઈ કરદાતા પેનલ્ટી સામે અપીલ કરે છે, તો અપીલનો નિર્ણય થાય ત્યાં સુધી તે પેનલ્ટીની રકમ પર વ્યાજ લાગશે નહીં. આ નિયમ પ્રથમ અપીલ સ્તર સુધી લાગુ પડશે અને ઘણા લોકોને તેનો લાભ મળી શકે છે.

 

કોઓપરેટિવ સંસ્થાઓને ડિવિડન્ડ પર રાહત

સરકારે કેટલીક નિર્ધારિત સહકારી સંસ્થાઓને રાહત આપતાં, તેમના રોકાણ પરથી મળતા ડિવિડન્ડ પર ત્રણ વર્ષ માટે ટેક્સ છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ છૂટ 31 જાન્યુઆરી, 2026 સુધી કરાયેલા રોકાણ પર લાગુ પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક