• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

U-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને કચડી ભારત શાનથી સેમિ ફાઇનલમાં સુપર સિક્સના નિર્ણાયક મેચમાં ભારતીય યુવા ટીમનો 58 રને શાનદાર વિજય

સેમિ ફાઇનલમાં ભારતની ટક્કર અફઘાનિસ્તાન વિરૂધ્ધ થશે

બુલાવાયો તા.1: પાકિસ્તાનને પછાડીને અન્ડર-19 વન ડે વર્લ્ડ કપમાં ભારત શાનથી સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું છે. ભારતીય યુવા ટીમનો સુપર સિકસના આખરી અને નિર્ણાયક મેચમાં પાકિસ્તાન વિરૂધ્ધ પ8 રને જોરદાર વિજય થયો હતો. ભારત સામેની વધુ એક શરમજનક હાર સાથે પાક. યુવા ટીમ અન્ડર-19 વિશ્વ કપમાંથી ફેંકાઇ ગઇ છે. ભારતના 2પ2 રનના જવાબમાં પાકિસ્તાની ટીમ 46.2 ઓવરમાં 194 રને ઢેર થઇ ગઇ હતી. હવે સેમિ ફાઇનલમાં ભારતની ટકકર અફઘાનિસ્તાન સામે થશે. જયારે બીજા સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હશે.

આજના પાક. સામેના નિર્ણાયક મેચમાં ભારત તરફથી વેદાંત ત્રિવેદીએ 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયારે ખિલન પટેલ અને કપ્તાન આયુષ મ્હાત્રેએ 3-3 વિકેટ લીધી હતી. 29 દડામાં 3પ રન અને 30 રનમાં 1 વિકેટ લેનાર ભારતીય ઓલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 2પ3 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ પાક. યુવા ટીમ તરફથી ઉસ્માન ખાને 66, કપ્તાન ફરહાન યુસુફે 38 અને હમ્ઝા હજૂરે 42 રન કર્યાં હતા. પાક. ટીમે આખરી 7 વિકેટે 3પ રનમાં ગુમાવી હતી આથી 194 રને ઓલઆઉટ થઇ હતી અને પ8 રને હારી વિશ્વ કપ બહાર થઇ હતી.

સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે ભારતીય અન્ડર-19 ટીમે 49.પ ઓવરમાં 2પ2 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. જેમાં વેદાંત ત્રિવેદીના 68 રન સર્વાધિક હતા. તેણે 98 રનની ઇનિંગ દરમિયાન 2 ચોક્કા-1 છક્કો ફટકાર્યો હતો. 8મા ક્રમના કનિષ્ક ચૌહાણે 29 દડામાં 4 ચોક્કા - 1 છક્કાથી 3પ રનનું ઝડપી યોગદાન આપ્યું હતું. વન્ડર બોય વૈભવ સૂર્યવંશી 22 દડામાં પ ચોક્કા - 1 છક્કાથી આક્રમક 30 રને આઉટ થયો હતો જ્યારે કપ્તાન આયુષ મ્હાત્રે ખાતું ખોલાવી શક્યો ન હતો. એરોન જોર્જ 16, વિહાન મલ્હોત્રા 21, અભિજ્ઞાન કુંડુ 16, અમબ્રિશ 29, ખિલન પટેલ 21 અને દીપેન દેવેન્દ્ર 1 રને આઉટ થયા હતા. હેનિલ પટેલ 1 રને નોટઆઉટ રહ્યો હતો. આથી ભારતના 2પ2 રન થયા હતા. પાકિસ્તાન અન્ડર-19 ટીમ તરફથી અબ્દુલ સુભાને 3 અને મોહમ્મદ ખય્યામે 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક