• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

સોનું-ચાંદી અને શેરબજાર, ચારેકોર હાહાકાર

            સોના-ચાંદીમાં વેચવાલીનો ભૂકંપ : શેરબજાર પણ બજેટનો આફ્ટરશોક

નવીદિલ્હી, તા.1: આજે કેન્દ્રીય બજેટનાં દિવસે શેર-સોનાથી માંડીને ક્રિપ્ટો અને શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો હતો. સોનું અને ચાંદી અભૂતપૂર્વ તેજી પછી બે દિવસથી ભયાનક ઘટાડાનાં સાક્ષી બની રહ્યા હતા અને આજે પણ તેમાં ભયંકર ગાબડાંનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બીજીબાજુ ભારતીય શેરબજારને પણ નિરાશામાં સપડાવતી કેટલીક અંદાજપત્રીય ઘોષણાને પગલે ચોતરફી વેચવાલી ફાટી નીકળી હતી અને ઇન્ડેક્સમાં તોતિંગ ભગદાળા પડી ગયા હતાં. બીજીબાજુ ક્રિપ્ટો કરન્સીના કારોબારમાં પણ વૈશ્વિક અનિશ્ચિત માહોલનાં કારણે તીવ્ર કડાકા જોવા મળ્યા છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું, પરંતુ બજેટથી શેરબજારને પ્રોત્સાહક કોઈ જાહેરાતો નહીં થતાં બજેટ ભાષણ પૂર્ણ થતાં જ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી અને એક સમયે સેન્સેક્સ 2,370 અંક સુધી તૂટયો હતો. જોકે બાદમાં બજારમાં થોડો સુધારો જોવા મળ્યો પણ અંતે રોકાણકારોમાં ચિંતા યથાવત્ રહી. નિફ્ટી પણ 593 પોઇન્ટનાં ભીષણ ગાબડાં સાથે 25 હજારની નીચે સરકીને 24825નાં સ્તરે બંધ થયો હતો. તો સેન્સેક્સ 1843 પોઇન્ટનાં  કડાકા સાથે 80722નાં સ્તરે બંધ થયો હતો.  રવિવારે શેરબજારમાં આવેલી ભારે ઘટાડાની મુખ્ય કારણ ફ્યુચર્સ અને અૉપ્શન્સ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો રહ્યો. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ અંદાજે રૂ. 6 લાખ કરોડ ઘટીને 453.87 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

બજેટના દિવસે માત્ર શેરબજાર જ નહીં, પરંતુ સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સી બજાર પણ દબાણમાં જોવા મળ્યા. વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા 24 કલાક દરમિયાન રૂ. 18 લાખ કરોડથી વધુની કિંમત ઊડી ગઈ છે. રવિવારે બિટકોઇનની કિંમતે પણ તીવ્ર ઘટાડો નોંધાવ્યો. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 6 ટકા તૂટીને 80 હજાર ડોલરથી નીચે આવી ગયો. બપોરે લગભગ 2 વાગ્યે બિટકોઇન 78,600 ડોલરની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ ભારે ઘટાડો થયો. ઇથેરિયમ 8 ટકાથી વધુ તૂટયો, સોલાનામાં પણ લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો જ્યારે પાઈ નેટવર્ક કૉઇન 4 ટકાથી વધુ ઘટી ગયો હતો.

બજેટના દિવસે કોમોડિટી બજાર પણ દબાણમાં રહ્યું. એમસીએક્સ પર સોનામાં 2.66 ટકાનો ઘટાડો નોંધાયો અને ભાવ રૂ. 1,42,217 પ્રતિ 10 ગ્રામ સુધી આવી ગયો. જ્યારે ચાંદી 9 ટકા તૂટીને રૂ. 2,65,652 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. સોના-ચાંદીમાં વેચવાલીનાં ભૂકંપમાં કોઈ લેવાલ મળતું ન હોય તેવી હાલત થઈ જવા પામી હતી.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક