• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

ગુજરાત 1 રૂપિયો વેરો કેન્દ્રને આપે, પરત 30-35 પૈસા જ મળે છે!

2026-27માં કેન્દ્રીય વેરામાંથી

રાજ્યોના હિસ્સા પેટે ગુજરાતને

રૂ. 57,310.86 કરોડ મળશે : ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનને સૌથી વધુ લાભ

 ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.1 વર્ષ 2026-27માં કેન્દ્ર  દ્વારા ગુજરાતમાંથી જે વિવિધ વેરા વસૂલાશે તેના હિસ્સા પેટે ગુજરાતને વર્ષ 2026-27 દરમિયાન કુલ રૂ. 57,310.86 કરોડની રકમ મળશે.  રકમનો ઉલ્લેખ ગુજરાત સરકારના રજૂ થનારા વર્ષ 2026-27નાં વાર્ષિક બજેટમાં પણ કરાશે. ગુજરાતને આ કેન્દ્રીય વેરાના હિસ્સા પેટે વર્ષ 2024-25માં રૂ. 44,019 કરોડ, વર્ષ 2025-26માં 48,763.47 કરોડ મળ્યા હતા અને હવે, 2026-27માં તે રકમ વધીને રૂ.57,310 કરોડ થશે. ગુજરાતને મળતી રકમ 30 ટકા વધશે.

રાજ્યો ટેક્સ ચૂકવે એ પછી કેન્દ્ર કેટલું પરત આપે છે તે જોતા ઉત્તર પ્રદેશને 1 રૂપિયા સામે અંદાજે રૂ.1.80 પરત મળે છે, બિહારમાંથી વસૂલાતા 1 રૂપિયાના ટેક્સ સામે કેન્દ્ર સરકાર તેને રૂ. 7 આપે છે જ્યારે ગુજરાતમાંથી વસૂલાતા વેરાના 1 રૂપિયા સામે 30થી 35 પૈસા જ પરત આપે છે !

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલાં બજેટમાં રાજ્યોના હિસ્સાની જાહેર કરાયેલી આ રકમમાં સૌથી વધુ રૂ. 2.73 લાખ કરોડ ઉત્તરપ્રદેશને, બિહારને રૂ. 1.53 લાખ કરોડ, મધ્યપ્રદેશને 1.19 લાખ કરોડ, પશ્ચિમ બંગાળને રૂ. 1.14 લાખ કરોડ, મહારાષ્ટ્રને રૂ. 96,414 કરોડ મળશે જ્યારે ગુજરાતને દેશનાં વિવિધ રાજ્યોની સરખામણીમાં 10મા ક્રમની રકમ એટલે રૂ. 57,311 કરોડ   મળશે. કેન્દ્રીય વેરામાંથી મળવાપાત્ર ગુજરાતનો હિસ્સો 3.478 ટકા હતો. જે હવે વર્ષ 2026-27માં વધીને 3.755 ટકા થયો છે. આ ટકાવારીમાં થયેલો મામૂલી વધારો પણ રાજ્યની તિજોરીમાં હજારો કરોડ રૂપિયાનો વધારો કરી રહ્યો છે.

ઉત્તરપ્રદેશને કુલ કેન્દ્રીય વેરાની 41 ટકા રકમમાંથી 17.939 ટકા રકમ, બિહારને 10.058 ટકા રકમ, મધ્યપ્રદેશને 7.850 ટકા, પશ્ચિમ બંગાળને 7.523 ટકા, મહારાષ્ટ્રને 6.026 ટકા અને ગુજરાતને દેશમાં 10મા ક્રમે માત્ર 3.755 ટકા રકમ જ મળે છે. આ વહેંચણીની ટકાવારી પ્રમાણે ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોને વધુ મોટી રકમ મળે છે જ્યારે ગુજરાતથી દેશમાં સૌથી વધુ કેન્દ્રીય વેરો ભરાતો હોવા છતાં, નાણાં પંચે ગુજરાતની વસતિ અને આવકનાં માપદંડોને આધિન ગુજરાતને તેના હિસ્સા પેટે મળનારી રકમની ટકાવારી ઓછી નક્કી કરી છે.

કેન્દ્રીય નાણામંત્રીએ જાહેર કર્યા મુજબ ગુજરાતને મળનારી રકમમાંથી ઇન્કમ ટેક્સ પેટે મળતી રકમમાં સૌથી ઝડપી વધારો થયો છે. વર્ષ 2024-25માં ઇન્કમ ટેક્સમાંથી તેના હિસ્સા પેટે રૂ.14,543 કરોડ મળ્યા હતા. જે હવે, 2026-27માં રૂ. 20,395 કરોડ થશે. આ વધારો દેશમાં વ્યક્તિગત આવક અને ટેક્સ ભરનારાઓની સંખ્યામાં થયેલા વધારાને સૂચવે છે. એવી જ રીતે, કોર્પોરેશન ટેક્સ અને ઋજઝમાં સ્થિર વધારો જોવા મળે છે. એનો સરળ ભાષામાં કહી શકાય કે, રાજ્યો દ્વારા કેન્દ્રને એક રૂપિયો વેરો આપવા સામે કેન્દ્ર દ્વારા જે તે રાજ્યોને કેટલી રકમ પરત કરાય છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક