બજેટમાં ખેડૂતોની આવક વધારવા પર સરકારનું ધ્યાન
નવી
દિલ્હી તા.1 : બજેટમાં ખેડૂતો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી
નિર્મલા સીતારમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા
પર ભાર મૂકવામાં આવશે.
આ વર્ષે
કૃષિ મંત્રાલય માટે કુલ રૂ.1.40 લાખ કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નાણામંત્રીએ
જણાવ્યું હતું કે બજેટ 2026 નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત
કરે છે. તેમણે માછીમારી માટે 500 જળાશયો અને અમૃત સરોવરોના સંકલિત વિકાસની જાહેરાત
કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્યઉદ્યોગ મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવામાં આવશે.
સ્ટાર્ટઅપ્સ અને મહિલા નેતૃત્વવાળા જૂથોને બજાર સાથે જોડવામાં આવશે, જ્યારે પશુપાલન
ક્ષેત્ર માટે લોન આધારિત સબસિડી કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. પશુધન સાહસોને પ્રોત્સાહન
અને આધુનિકીકરણ, પશુધન ખેડૂત ઉત્પાદક સંગઠનોને પ્રોત્સાહન તથા નાળિયેર, ચંદન અને કાજુ
જેવા દરિયાકાંઠાના પાકોને ટેકો આપવામાં આવશે. નારિયેળના ઉત્પાદનમાં સ્પર્ધાત્મકતા વધારવા
નારિયેળ પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવશે.
વધુમાં
જણાવ્યું હતું કે ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમો શરૂ કરવામાં આવશે જે
તેમને વૈશ્વિક બ્રાન્ડમાં વિકસાવવા માટે કામ કરશે. ભારતીય ચંદનની પ્રતિષ્ઠા પુન:સ્થાપિત
કરવા રાજ્યોને સમર્થન આપવામાં આવશે. અખરોટ અને બદામનું ઉત્પાદન વધારવા ખાસ કાર્યક્રમ
શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ એઆઈ ટૂલ, ભારત-વિસ્તાર કાર્યક્રમ લોન્ચ કરવાની જાહેરાત
કરી હતી. આ બહુભાષી એઆઈ ટૂલ ખેડૂતોને સારા નિર્ણયો લેવામાં મદદ કરશે જેથી ઉત્પાદકતામાં
વધારો થશે.