• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ખાલિસ્તાન સમર્થક, ભારત વિરોધી ટ્રુડોનું રાજીનામું

-કેનેડાની રાજનીતિમાં વાવાઝોડું: ચોમેરથી ઘેરાયેલા પ્રધાનમંત્રીએ 11 વર્ષથી હાથમાં રહેલી સત્તા છોડવી પડી

 

નવીદિલ્હી,તા.6: ખાલિસ્તાની આતંકવાદને સમર્થન આપીને ભારત વિરુદ્ધ તોફાને ચડેલા કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને પોતાનાં દેશની આતંરિક રાજનીતિમાં રાજીનામુ આપી દેવાની ફરજ પડી છે. પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચનાઓ વચ્ચે ટ્રુડોએ રાજીનામાનો નિર્ણય કર્યો છે અને દેશને સંબોધીને રાજીનામાનું એલાન કર્યુ હતું.

ખાલિસ્તાની આતંકવાદનાં સમર્થક ટ્રુડો માટે પોતાનાં દેશની રાજનીતિ ઉંધા માથે ફરી ગઈ હતી અને તેમને આ રાજકીય ભીંસમાં રાજીનામુ આપવું પડી રહ્યું છે. કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનાં મામલે ટ્રુડઓ ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો ત્યારથી ભારત અને કેનેડાનાં સંબંધો કડવા થઈ ગયા હતાં. ભારતે તમામ આરોપો નકારી દીધા પછી પણ ટ્રુડોએ આક્ષેપબાજી ચાલુ રાખી હતી અને બન્ને દેશનાં સંબંધ બદથી બદતર થતા ચાલ્યા હતાં. જેમાં છેલ્લે હાલત એવી પેદા થઈ હતી કે, બન્ને દેશોએ એકબીજાનાં રાજદ્વારીઓને પણ દેશ છોડવા કહી દીધું હતું. ટ્રુડોએ જ્યારે ભારત ઉપર આરોપ લગાવ્યા ત્યારે તે કેનેડામાં મોટી સંખ્યામાં વસતા શીખોનાં મત અંકે કરવાની ફિરાકમાં હોય તેવું કહેવાતું હતું.

ટ્રુડોએ કહ્યું હતું કે, હું નવા નેતાની પસંદગી પછી પક્ષનાં નેતા અને પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દેવાનો ઈરાદો ધરાવું છે. તેમણે પોતાની લિબરલ પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી માટેની પ્રક્રિયા પણ શરૂ કરવા કહ્યું હતું.

ટ્રુડો 11 વર્ષથી કેનેડાનાં પ્રધાનંમત્રી હતાં અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓથી માંડીને પ્રમુખ મંત્રીઓનાં રાજીનામા અને જનમત સર્વેક્ષણ સહિતનાં અનેક રાજકીય સંકટમાં ઘેરાઈ ગયા હતાં. ટ્રુડોએ આગળ કહ્યું હતું કે, આજે સવારે જ તેમણે ગવર્નર જનરલ સાથે બેઠક કરી હતી અને સલાહ આપી હતી કે, હવે સંસદનું નવું સત્ર બોલાવવાની જરૂર છે. જે અનુરોધ સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે 24 માર્ચ સુધી સદન સ્થગિત રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક