નાસભાગમાં
અનેક લોકો 11મા માળેથી કૂદ્યા, ઘણાએ ચાદરની દોરી બનાવી બારીમાંથી નીકળી જીવ બચાવ્યા
: રિસોર્ટ ઉંચાઈએ આવેલો હોવાથી અગ્નિશમન કામગીરીમાં વિક્ષેપ
નવીદિલ્હી,
તા.21: તુર્કીના બોલુ રાજ્યના કર્તાલકાયા સ્કી રિસોર્ટમાં આજે લાગેલી ભયંકર આગમાં ઓછામાં
ઓછા 66 લોકોના મોત થયા છે. જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ગભરામણમાં અનેક
લોકો રિસોર્ટનાં 11મા માળેથી કૂદી ગયા હતાં અને તેમાં પણ કેટલાકનાં મૃત્યુ નીપજ્યા
હતાં અને ઘણાં ઘવાયા હતાં. આ દુર્ઘટનામાં કુલ મળીને 50થી વધુ લોકો દાઝી ગયા અને ઘાયલ
થયા હતા.
સ્થાનિક
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે 3:30 વાગ્યે (મંગળવારે સવારે
6 વાગ્યે) હોટલમાં બની હતી. આગે 11 માળની આખી ઈમારતને ચપેટમાં લઈ લીધી હતી. આગ લાગવાનું
કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ફાટી નીકળ્યા પછી, કેટલાક લોકો ચાદરની દોરી બનાવીને
બારીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
તુર્કીના
અખબાર ડેઇલી સબાહ અનુસાર, કર્તાલકાયા સ્કી રિસોર્ટ ઉંચાઈએ આવેલી એક ખડક પર છે. જેના
કારણે ફાયર બ્રિગેડના વાહનોને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી અને રાહત કાર્યમાં
વિલંબ થયો હતો.
બોલુના
ગવર્નર અબ્દુલ અઝીઝ અયદીને જણાવ્યું હતું કે હોટલમાં 234 મહેમાનો રોકાયા હતા. ફાયરબ્રિગેડની
30 ગાડીઓ અને 28 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. સત્તાવાળાઓએ આગને કાબૂમાં લેવા
માટે 267 ઇમરજન્સી કામદારોને પણ તૈનાત કર્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે
તુર્કીના પ્રવાસન અને આરોગ્ય મંત્રીઓ દુર્ઘટના સ્થળ માટે રવાના થઈ ગયા છે. તુર્કીના
રાષ્ટ્રપતિ રેસેપ તાયિપ એર્દોગને જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે જવાબદાર લોકોની
ઓળખ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. દોષિતો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
કર્તાલકાયા
એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે જે ઇસ્તંબુલ શહેરથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં કોરોગ્લુ
પર્વતો પર સ્થિત છે. તુર્કીમાં અત્યારે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે એટલા માટે અહીંની
તમામ હોટલોમાં આટલી ભીડ છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારની અન્ય હોટલોને ખાલી કરાવવામાં
આવી છે.