બાઇડેનના
78 નિર્ણય પલટી નાખ્યા, જળવાયુ - સ્વાસ્થ્ય - વેપારમાં અમેરિકાને નુકસાન પહોંચાડતી
નીતિ બંધ: WHOમાંથી
અમેરિકા બહાર
અમેરિકાનું
હિત પહેલાં, ગેરકાયદે ઘૂસણખોરોને હાંકી કાઢશે, પનામા કેનાલ પરત લેવા એલાન, ખોટા સરકારી
ખર્ચા બંધ, ઊર્જાને પ્રાથમિકતા
વોશિંગ્ટન,
તા.ર1 : અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતાં જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં
આવ્યા છે. સત્તા સંભાળતાં જ તેમણે 80થી વધુ કાર્યકારી આદેશ જારી કર્યા છે જેમાં કેપિટલ
હિલ હિંસાના દોષિતોને માફી, પેરિસ જળવાયુ સમજૂતી અને ડબલ્યૂએચઓમાંથી બહાર નીકળી જવું
અને દક્ષિણ સરહદે રાષ્ટ્રીય કટોકટી લાદવા સહિત સામેલ છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદે ફરી
કાર્યભાર સંભાળતાં જ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના 78 આદેશ પલટી નાખ્યા છે. પેરિસ જળવાયુ
સમજૂતીને તેમણે પક્ષપાતી અને એકતરફી ગણાવી છે. ટ્રમ્પે સીધો આરોપ લગાવ્યો કે વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠને અમેરિકાને છેતર્યું છે અને હવે તે નહીં ચાલે. ટ્રમ્પે વિશ્વ આરોગ્ય
સંસ્થા (હુ) અને પેરિસ જળવાયુ સમજૂતીથી અમેરિકાને અલગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટ્રમ્પના
પહેલા દિવસના મોટાભાગના આદેશ અગાઉથી ચાલી આવતી વ્યવસ્થા બદલવા અને અમેરિકાને વૈશ્વિક
સંગઠનોથી બહાર નીકળવા પર કેન્દ્રિત છે. ટ્રમ્પના આદેશની સીધી અસર અનેક દેશોને અને આડકતરી
મોટે ભાગે આખી દુનિયાને થશે. તેમણે ઇમિગ્રેશન અને શરણાર્થીઓને નાગરિકતાની નીતિ બદલી
છે. અમેરિકાની નાગરિકતા મેળવવી હવે પહેલાં જેવી સરળ નહીં હોય.
બ્રિક્સ
: ટ્રમ્પે પહેલા જ દિવસે દુનિયાના 10 દેશને સંદેશો આપ્યો છે. જેમાં બ્રિક્સને સંદેશો
આપતાં કહ્યું કે જો બ્રિક્સ ડોલર સિવાય અન્ય કોઈ મુદ્રામાં કારોબાર કરવાનો વિચાર કરશે
તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. શપથ બાદ ઓવલ ઓફિસમાં ટ્રમ્પે આવી વાત કહી
હતી.
મેક્સિકો
: ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદે નેશનલ ઇમરજન્સી
જાહેર કરી છે. તેમણે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા આકરું વલણ અપનાવ્યું છે.
તેમણે કહ્યું કે સરકાર લાખો ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશ પાછા તગેડી મૂકશે. મેક્સિકોની
ખાડીનું નામ બદલીને તેમણે ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. ઉપરાંત અલાસ્કાના પહાડનું નામ
માઉન્ટ ડેનાલીથી બદલી માઉન્ટ મૈકિનલી કર્યું છે.
પનામા
: ટ્રમ્પે પનામા નહેરનું સંચાલન ચીનના હાથમાં હોવાનો આરોપ લગાવી આ નહેર અમેરિકા પાછી
લેશે તેવું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે પનામા નહેર અમે ચીનને આપી ન હતી. અમે તેને
પાછી લઈશું. આ નહેર ખોટા હાથોમાં ચાલી ગઈ છે. અમેરિકા હવે આ નહેરનું નિયંત્રણ પાછું
લેશે.
મધ્યપૂર્વ
: ટ્રમ્પ સત્તામાં આવતાં જ હવે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાઈ શકે છે. ગાઝામાં હમાસ-ઈઝરાયલ
વચ્ચે સીઝ ફાયર સમજૂતી લાગુ થઈ છે, યુદ્ધ બંધ થયું છે તે ટ્રમ્પની અસર હોવાનું મનાય
છે.
કેનેડા-મેક્સિકો
: ટ્રમ્પે એલાન કર્યું છે કે તેમની યોજના કેનેડા અને મેક્સિકોનાં ઉત્પાદનો પર 1 ફેબ્રુઆરીથી
રપ ટકા ટેક્સ લાદવાની છે. આ બન્ને દેશ મોટી સંખ્યામાં લોકોને આવવાની છૂટ આપે છે. જેથી
અમેરિકા તેમની સાથે વેપાર નીતિની સમીક્ષા કરશે. ટ્રમ્પ માને છે કે હાલ અનેક દેશો અમેરિકાનો
ફાયદો ઉઠાવે છે જે હવે નહીં ચાલે. તેઓ તમામ પ્રકારની આયાત પર યુનિવર્સલ ટેક્સ લગાવશે.
કયૂબા,
નિકારગુઆ, હૈતી, વેનેઝુએલા : ટ્રમ્પના નિર્ણયની અસર આ દેશોને પણ થશે. આ દેશોમાંથી પ્રવાસીઓને
કામ કરવા અમેરિકા આવવાની મંજૂરી હતી જેના પર ટ્રમ્પે રોક લગાવી છે. ક્યૂબા, નિકારગુઆ,
હૈતી અને વેનેઝુએલાથી અગાઉ પ્રવાસીઓને બે વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની છૂટ હતી.
જેથી લાખો લોકો કામ કરવા અમેરિકા આવતા હતા જે હવે બંધ થશે.
ઇ વાહનો
: ટ્રમ્પે પ્રદૂષણને નામે ઇ વાહનો અપનાવવાની નીતિ
છોડી છે. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે ચીન સરેઆમ દુનિયાને પ્રદૂષિત કરી
રહ્યું છે, અમેરિકા પ્રદૂષણ ઘટાડવાને નામે ઇ વાહનો લાવીને પોતાના ઉદ્યોગોને બરબાદ થવા
નહીં દે.
બેફામ
ખર્ચા બંધ : ટ્રમ્પે પોતાના આદેશમાં સરકારી વિભાગોમાં બેફામ ખર્ચા બંધ કરવા સૂચના આપી
છે. નવી નીતિમાં સરકાર કર્મચારીઓને વર્ગીકૃત કરશે અને જરૂરી ન હોય તેવા કર્મચારીઓને
હકાલપટ્ટી કરી ખર્ચા ઘટાડશે. સરકારના આકારને તેઓ મર્યાદિત કરશે.
રાષ્ટ્રીય
ઊર્જા : ટ્રમ્પે રાષ્ટ્રીય ઊર્જા ઇમરજન્સી જાહેર કરી છે. જે મુજબ ઊર્જાની જરૂરિયાત
પૂરી કરવા સમસ્યાઓ સામે જે કંઈ કરવું પડે તે ઇમરજન્સી માનીને કરવાનું રહેશે. સરકાર
ઊર્જા સંકટનો ઇમરજન્સી તરીકે સામનો કરશે.
થર્ડ
જેન્ડર બાકાત : ટ્રમ્પે કાર્યકારી આદેશમાં દેશમાં માત્ર બે જ લિંગ ત્રી અને પુરુષ હોવાનું
એલાન કર્યું છે. તેમણે લિંગ વિચારધારા માર્ગદર્શન હટાવી છે. અમેરિકાની સત્તાવાર નીતિ
હવે માત્ર ત્રી અને પુરુષ મુજબ રહેશે. થર્ડ જેન્ડર જેવો કોઈ વિકલ્પ નહીં રહે.