• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આજથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઝ-20 શ્રેણી : શમીની વાપસી પર નજર સૂર્યકુમાર અને બટલરની ટીમ વચ્ચે ઇડન ગાર્ડન પર પહેલા મેચમાં ટક્કર

કોલકતા, તા.21 : કપ્તાન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં  ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ મેચની ટી-20 શ્રેણીના પહેલા મેચ માટે ઇડન ગાર્ડન મેદાન પર બુધવારે ઉતરશે ત્યારે તમામની નજર વાપસી કરી રહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી પર રહેશે. ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલ શરમજનક ટેસ્ટ સિરીઝ હારને ભૂલીને ટી-20 શ્રેણીમાં મજબૂત ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાનું રહેશે. ટી-20 શ્રેણી પછી બન્ને ટીમ વચ્ચે 3 મેચની વન ડે શ્રેણી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ બન્ને ટીમ પાસે ખુદને આંકવાનો સોનેરી મોકો છે.

શમી છેલ્લે નવેમ્બર-2023માં વન ડે વર્લ્ડ કપનો ફાઇનલ મેચ રમ્યો હતો. આ પછી તે ઇજા અને સર્જરીને લીધે ટીમની બહાર હતો. વિશ્વ કપના શરૂના 4 મેચમાં બહાર રહેવા છતાં તેનાં નામે સૌથી વધુ વિકેટ લીધી હતી. શમી ટી-20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો ક્યારે પણ નિયમિત સદસ્ય રહ્યો નથી. તેનાં નામે આ ફોર્મેટમાં 24 વિકેટ છે. તેણે ટી-20 ફોર્મેટના તેનાં પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. સ્ટાર બોલર બુમરાહ હાલ અનફિટ છે. આથી તેનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું નિશ્ચિત નથી. આથી શમી પર ટીમ ઇન્ડિયાનો વધુ દારોમદાર રહેશે. શમીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરીને ફોર્મ-ફિટનેસ સાબિત કર્યા છે. હવે તેની અસલી પરીક્ષા ઇંગ્લેન્ડ સામે થશે.

ભારતીય ટીમમાં અનેક યુવા ખેલાડીઓ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારો દેખાવ કરનાર નીતિશકુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર માટે લીમીટેડ ઓવર્સની આ સિરીઝ મહત્ત્વની બની રહેશે. દ. આફ્રિકા સામેની પાછલી શ્રેણીમાં ઉપરાઉપરી બે સદી કરનાર સંજૂ સેમસન અને અભિષેક શર્મા ભારતનો દાવ પ્રારંભ કરશે. આ પછી તિલક વર્મા અને કપ્તાન સૂર્યકુમાર હશે. હાર્દિક પંડયાની ઇલેવનમાં જગ્યા નિશ્ચિત છે. આથી નીતિશ રેડ્ડીને બહાર બેસવું પડી શકે છે. શમીની સાથે અર્શદીપ અને હર્ષિત રાણા હશે. અક્ષર પટેલને પ્રમોશન મળ્યું છે અને ઉપકપ્તાન બન્યો છે. આથી તેની સાથે સ્પિનર તરીકે લગભગ વરુણ ચક્રવર્તી હશે. કોકલતા તેનું આઇપીએલ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે.

બીજી તરફ જોસ બટલરના કપ્તાન પદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ જીત સાથે ભારત પ્રવાસનો પ્રારંભ કરવા માગશે. ઇંગ્લેન્ડ પાસે ફિલ સોલ્ટ, જેકેબ બેથલ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન અને માર્ક વૂડ જેવા એકથી વધુ ટી-20 વિશેષજ્ઞ ખેલાડીઓ છે. આથી શ્રેણીના પાંચેય મેચમાં રસપ્રદ ટક્કરની આશા બની રહેશે. મેચ બુધવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક