• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ભારતને વધુ એક ટેરિફ ધમકી!

અમેરિકી નાણામંત્રીની છીછરાઇ : ટ્રમ્પ-પુતિનની ચર્ચા વિફળ રહી તો વધુ ટેરિફ લાદશું

નવી દિલ્હી, તા. 14 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે મહત્ત્વની મુલાકાત પર વિશ્વની મીટ મંડાયેલી છે, પરંતુ અમેરિકાએ આ મુલાકાતને ભારત અને ટેરિફ યુદ્ધ સાથે જોડી દીધી છે.

પુતિન સાથે ટ્રમ્પની વાતચીત નિષ્ફળ થશે તો અમેરિકા ભારત પર હજુ વધુ ટેરિફ લાદશે તેવી છીછરી ધમકી અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટે આપી નાખી છે.

બેસેંટે બ્લૂમબર્ગ ટીવીને જણાવ્યું હતું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ હજુ ભારત પર વધુ ટેરિફ ઝીંકી શકાય છે.

યુક્રેન યુદ્ધ બાદ દિલ્હી દ્વારા સસ્તા ક્રૂડ તેલની રૂસથી આયાતમાં વધારાનાં કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તાણ વધી છે.

આ તાણ વધવાથી અમેરિકા સાથે ભારતની વેપારસંધિ માટેની વાતચીતને પણ વિઘ્ન નડયું છે, ત્યારે અમેરિકાએ વધુ એક ધમકી આપી છે.

અમેરિકી નાણામંત્રીએ કહ્યું હતું કે, ભારત વેપારસંધિ મુદ્દે વાતચીતમાં થોડુંક જિદ્દી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ તો પહેલાંથી ઘોષિત કરી જ દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તો ટ્રમ્પને અરીસો બતાવતાં કહી દીધું હતું કે, ભારતની ટીકા કરનારા દેશો ખુદ રશિયા સાથે કારોબાર કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક