ગૃહ મંત્રી શાહ, રક્ષા મંત્રી
રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકરે પણ લોકોની પીડા યાદ કરી : કેરળ સરકારે વિભાજન દિવસ
સંબંધિત કાર્યક્રમ ઉપર રોક મૂકી
નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉપર દેશના ઈતિહાસના સૌથી દુ:ખદ અધ્યાયમાંથી
એક દરમિયાન અગણિત લોકો દ્વારા સહન કરવામાં આવેલી પીડાને ગંભીરતાથી યાદ કરી હતી અને
પ્રાણ ગુમાવનારા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ
સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી જયશંકર દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
હતી. તો કેરળ સરકાર દ્વારા વિભાજન વિભીષિકા દિવસના કાર્યક્રમ ઉપર રોક મૂકી હતી અને
કહ્યું હતું કે આવા આયોજનો નફરત વધારે છે.
પીએમ મોદી તરફથી કહેવામાં આવ્યું
હતું કે, પીએમએ વિભાજનના ડંખથી પ્રભાવિત લોકોના સાહસ અને દૃઢ ઈરાદાને શ્રદ્ધાંજલિ અર્પિણ
કરી હતી અને અકલ્પનિય ક્ષતિનો સામનો કરવા છતાં પોતાના જીવનને ફરીથી બનાવવાની શક્તિ
મેળવવાની ક્ષમતાને નમન કર્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મારફતે
કહ્યું હતું કે, ભારત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવે છે અને ઈતિહાસના દુ:ખદ અધ્યાય
દરમિયાન અગણિત લોકોએ સહેલી પીડાને યાદ કરે છે.
આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે
સોશિયલ મીડિયા મારફતે કહ્યું હતું કે દેશના વિભાજન અને તેની તકલીફોના શિકાર લોકોની
પીડાને યાદ કરીને સંવેદના વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે કોંગ્રેસે દેશના ટુકડા કરીને
મા ભારતીના સ્વાભિમાનને ઈજા પહોંચાડી હતી. વિભાજનના કારણે હિંસા, શોષણ અને અત્યાચાર
થયા હતા. કરોડો લોકો વિસ્થાપિત થયા હતા. તેઓ આવી પીડાનો ભોગ બનનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ
આપે છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે
1947મા ભારતના વિભાજન બાદ ભયાનક પરિણામ સહેનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતા વિભાજનને દર્દનાક
અધ્યાય ગણાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે વિભાજનના દુરગામી માનવીય અને રણનીતિક પરિણામનો
ઉલ્લેખ કર્યો હતો અને ભયાનક તકલીફ સહન કરનારા લોકોના ધૈર્યને યાદ કર્યું હતું. જ્યારે
જેપી નડ્ડાએ રાષ્ટ્રીય એકતાનું અને રાષ્ટ્ર વિરોધી તાકાતોને જવાબ આપવાનું આહ્વાન કર્યું
હતું.