કરાચીમાં ગોળીબારની ઘટનાઓ : બાળકી
સહિત ત્રણ મોત; 60થી વધુ ઘાયલ, અનેક ધરપકડ
ઈસ્લામાબાદ, તા. 14 : પાકિસ્તાનના
સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે કરાચીમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં આઠ વર્ષની એક
બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો 60થી વધુ ઘાયલ થયા હતા.
બંદરીય નગરના અનેક વિસ્તારોમાં
આઝાદીની ઉજવણી દરમ્યાન કેટલાક લોકોએ હવામાં ગોળીબાર કર્યા હતા, જેમાં નિર્દોષ લોકો
નિશાન બની ગયા હતા.
જીવ ખોનારાઓમાં એક બાળકી અને
એક વડીલ નાગરિક સામેલ છે. અજીજાબાદમાં એક બાળકી
શેરીમાં રમી રહી હતી ત્યાં અચાનક જ ગોળી વાગતાં સ્થળ પર જ દમ તોડયો હતો.
કૌરંગી, લિયાકતાબાદ અને મહમુદાબાદમાં
પણ આડેધડ હવામાં ગોળીબાર થયાની ઘટનાઓથી ભય સાથે ભાગદોડ મચી હતી.
ગોળીબારની ઘટનાઓમાં ઘાયલ થયેલા
લોકોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
આ જીવલેણ ગોળીબારની ઘટનાઓ બાદ
કેટલાક સંદિગ્ધ શખ્સોની ધરપકડ પણ કરી લેવાઈ
હતી.
જાન્યુઆરી-2025માં જ કરાચીમાં
ઘાતક ગોળીબારની વિવિધ ઘટનાઓમાં પાંચ મહિલા સહિત 42 લોકોનાં મોત થઈ ગયાં હતાં.