આઈએનએસ ઉદયગિરિ, આઈએનએસ હિમગિરિ આધુનિક હથિયારો-રડારથી સજ્જ
વિશાખાપટ્ટનમ,
તા.ર6 : બ્રહ્મોસ અને બરાક નેવી મિસાઈલોથી સજ્જ અને દુશ્મનોના રડારને ચકમો આપી શકે
તેવા બે યુદ્ધ જહાજ આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં
આવ્યા છે. ભારતના આ જહાજોથી દુશ્મનો થરથર કાંપી જાય તેવી તેની તાકાત છે. પ્રોજેક્ટ
17એ હેઠળ આ જહાજોનું નિર્માણ કરાયું છે.
ભારતીય
નૌકાદળને મંગળવારે બે નવા યુદ્ધ જહાજ આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિ સોંપવામાં
આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ બંને જહાજો સ્વદેશી છે. તેને એવી રીતે ડિઝાઇન
કરવામાં આવ્યા છે કે દુશ્મનના રડાર, ઇન્ફ્રારેડ અને સાઉન્ડ સેન્સરથી સુરક્ષિત રહેશે.
તેમની જમાવટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં થશે જેથી નૌકાદળની તાકાતમાં વધારો થશે.
ભારતના
આ બંન્ને સ્વદેશી યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ અને ઇન્ડો-ઇઝરાયલી બરાક-8 જેવી
લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે. તેમાં દરિયાઈ યુદ્ધ
માટે 76 એમએમ નૌકાદળ બંદૂકો અને પાણીની અંદર ટોર્પિડો વિસ્ફોટક શસ્ત્રો છે. આઈએનએસ
હિમગિરિ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવી છે.
તેનું નામ જૂના આઈએનએસ હિમગિરિથી પ્રેરિતછે. આઈએનએસ ઉદયગિરિ મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ
લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેનું નામ આંધ્રપ્રદેશના ઉદયગિરિ પર્વતમાળા પરથી
રાખવામાં આવ્યું છે જે ફક્ત 37 મહિનામાં બનાવવામાં આવ્યું છે.