નળ-ગટર અને રસ્તાની દુવિધા મુદ્દે રોષે ભરાયેલા રહીશોએ પરિશ્રમ સોસાયટીમાં બેનરો લગાવ્યા
રાજકોટ, તા.13 : શહેરમાં અત્યારે કોઈ રસ્તો સારો નથી, શેરીએ શેરીએથી ભૂગર્ભની સમસ્યાની ફરીયાદો ઉઠી રહી છે, અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. આમ છતાં નગરસેવકો અને અધિકારીઓ બધુ મૂકપ્રેક્ષક બનીને નીહાળ્યા કરે છે. પરંતુ હવે શહેરીજનોની ધીરજ ખુટી રહી છે અને તેનો સામનો કરવા શાસકોએ તૈયાર રહેવું પડશે. જો કે, તેની શરૂઆત પણ હવે થઈ ચુકી હોય તેમ આજે પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના નિરાકરણ ન આવતા આખરે આક્રમક વલણ અપનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સોસાયટીમાં મત માંગવા કે સભા-માટિંગ કરવા દેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ બહિષ્કારનાં બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ પગલાથી અન્ય સોસાયટીઓ પણ પ્રેરણા લઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં પણ સ્થાનિક પ્રશ્નોને લઈને વ્યાપક આંદોલનો જોવા મળી શકે છે.
સોસાયટીના રહીશોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી સોસાયટી અને આસપાસના વિસ્તારોને લગતા અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા મુખ્ય પ્રશ્નોમાં રસ્તાની ખરાબ હાલત, રસ્તા પર સ્ટ્રીટ લાઈટનો અભાવ, પીવાના પાણીની સમસ્યા, સોસાયટીની બાજુમાં આવેલા નાલામાં વહેતા ભૂગર્ભના ગંદા પાણીના અંડરગ્રાઉન્ડ નિકાલની વ્યવસ્થા કરી ત્યાં બે નાળા મૂકી બેઠો પુલ બનાવવાની માગ છે. અહીં અમારે લાઈટ વારંવાર જવાની સમસ્યા છે. બસ સ્ટેન્ડે અમારે બાંકડાની જરૂર છે. બસ ડ્રાઈવરો પણ 2-3 લોકો પાછળ રહી ગયા હોય તો ઊભા રહેતા નથી. વધુમાં રસ્તા ઉપર પણ લાઈટો ન હોવાથી મહિલાઓને દિવસ આથમ્યા પછી બહાર નીકળવામાં કે ક્યારેક બહારથી ઘરે પહોચવામાં ડર લાગે છે, ચોરી અને અકસ્માતનો ભય પણ રહે છે. પીવાના પાણીના ટેન્કર બંધ થતા રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે, અને ભૂગર્ભના ગંદા પાણીનો ખુલ્લો નિકાલ આરોગ્ય માટે જોખમી બની રહ્યો છે.
સોસાયટીના રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે તેમણે કડક નિર્ણય લીધો છે. સોસાયટીના લોકોએ જણાવ્યું કે, અમે સરકાર અને સ્થાનિક નેતાઓ પાસેથી માત્ર વિકાસના વચનો સાંભળીએ છીએ, પરંતુ અમારા પાયાના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ દાખવતું નથી. જો અમારી જરૂરિયાતો પૂરી નહીં થાય, તો અમે આ વખતે ચૂંટણીમાં કોઈને પણ મત આપીશું નહીં.