અગાઉના વર્ષો કરતા આ વર્ષે અડધા કરતા વધુ સીટ ઘટીને માત્ર 96 રહી ! વિવાદાસ્પદ નિર્ણય સામે કોલેજોના પ્રોફેસરો, વિદ્યાર્થી કાર્યકર્તાની લડી લેવા તૈયારી
રાજકોટ, તા. 10: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલ તારીખ 11મી ઓગસ્ટથી પીએચડીમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ વર્ષે પીએચડીમાં 95 જેટલી સીટ ઉપલબ્ધ છે. જે અગાઉના વર્ષોમાં 250થી 300, 400 જેટલી રહેતી. ગત વર્ષે 190 કરતા વધુ સીટ હતી. આ વર્ષે પીએચડીની ખાલી સીટમાં એકાએક અડધોઅડધ જેટલો ઘટાડો થવાનું કારણ કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને શિક્ષણ આપતા પ્રોફેસરોને ગાઈડ તરીકે નવા વિદ્યાર્થી ફાળવાયા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ વિવાદાસ્પદ ગતિવિધિને પડકારવા કોલેજોના પ્રોફેસરો તેમજ વિદ્યાર્થી સંગઠનો લડી લેવાની તૈયારી કરી રહ્યા છે.
આ વર્ષે પીએચડીમાં માત્ર 96 સીટ ઉપલબ્ધ થતા ડોક્ટરેટની તૈયારી માટે સજ્જ થયેલા અનેક વિદ્યાર્થીઓ વંચિત રહી જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી માત્ર ભવનના પ્રાધ્યાપકોને જ ગાઈડશીપ માટે લાયક ગણીને નવા વિદ્યાર્થીઓ ફાળવ્યા છે. જ્યારે સંલગ્ન ર35થી વધુ કોલેજોના વરિષ્ઠ પ્રાધ્યાપકો, ડોક્ટરેટ થયેલા, પરંતુ યુજીમાં અભ્યાસ કરાવતા હોય તેવા પ્રાધ્યાપકોને પીએચડીના વિદ્યાર્થીઓ આપવાથી રોક લગાવાઈ છે. અલબત્ત, જેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અગાઉથી સંશોધન કરી રહ્યા હોય તેઓ પોતાની ગાઈડશીપ ચાલુ રાખી શકશે, પરંતુ તેમને આ વર્ષથી નવા વિદ્યાર્થીઓ આપવામાં નહીં આવે. જેની સામે પીજીના વિદ્યાર્થીને અભ્યાસ કરાવનારા પ્રોફેસરોને સંભવત: નવા વિદ્યાર્થી ફાળવી શકાય. આ નિર્ણય અગાઉ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો હતો. જોકે તેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો નથી.
ભવનોના પ્રાધ્યાપકો ચોક્કસ મર્યાદામાં જ વિદ્યાર્થીઓ સ્વીકારે ત્યારે તે સ્થિતિમાં પીએચડી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ નાછુટકે ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસરની ગાઈડશીપ હેઠળ સંશોધન કરવાની ફરજ પડશે. અને તેના માટે દોઢ-બે લાખ કે તેથી વધુનો ખર્ચ થશે. આ તજવીજ એકંદરે વિદ્યાર્થીઓના હિતની વિરુધ્ધમાં હોવાને કારણે માટે તેનો વિરોધ કરવા પ્રાધ્યાપકો રણનીતી ઘડવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.
અધ્યાપકો આજે રજૂઆત કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ આજે તા.11ના રોજ સાંજે 4-30 કલાકે આ મામલે કુલપતિને રજૂઆત કરવા જશે. જેના માટે તમામ અધ્યાપકોને સંગઠીત થવા સંદેશો મોબાઈલમાં મોકલવામાં આવ્યો હતો.
‘સ્ટેચ્યુટને અનુસરીને આગળ વધીએ છીએ’
આ અંગે કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, અગાઉ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નક્કી થયા મુજબ કોલેજોમાં યુજીના પ્રોફેસરોને પીએચડીના નવા વિદ્યાર્થીઓ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. વળી, સ્ટેચ્યુટમાં પણ એવું લખ્યું છે. જેને અમે આ વર્ષથી અનુસરીએ છીએ. જેમની પાસે અગાઉથી વિદ્યાર્થીઓ હોય તેમનું સંશોધનકાર્ય પૂરું કરાવી શકશે.
કુલપતિને રજૂઆત કરવા 50થી વધુ અધ્યાપકોને એકઠા થવા હાકલ
‘પીએચડી પ્રવેશની જાહેરાતમાં જણાયું છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકો જ હવે પીએચ.ડી. માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. હાલમાં યુનિ.એ સંલગ્ન કોલેજના અધ્યાપકો, આચાર્યોને માર્ગદર્શક તરીકે સમાવિષ્ટ કર્યા નથી. અધ્યાપકોની શૈક્ષણિક કારકીર્દીના વિકાસ માટે અનુસ્નાતક શિક્ષકની પણ માન્યતા આપવી જોઈએ. અને પીએચડી માર્ગદર્શક બનાવવા જોઈએ. ભવિષ્છયમાં યુનિ.માં એસો. પ્રોફેસર અથવા પ્રોફેસરની જગ્યા ખાલી પડે ત્યારે અરજી કરવા માટે કોઈ એક વિદ્યાર્થીએ પીએચડી કર્યું હોય અને નોંધાયેલા હોય તો જ અધ્યાપક યુનિ.માં એસો. પ્રોફેસર અથવા પ્રોફેસર બનવા લાયક બને છે. આમ હાલની નીતિને કારણે સૌરાષ્ટ્રની બધી કોલેજોના અધ્યાપક સહાયકો ક્યારેય યુનિ.ના ભવનમાં આવે શકે નહી એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આનો વિરોધ કરવા 50થી વધુ અધ્યાપકો સાથે આવશે તો કુલપતિને રજુઆત કરીશું’ . આવો એક પત્ર પ્રાધ્યાપકોના અન્ય એક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો છે.