મકાન ખાલી કરાવવા આવેલા શખસોએ મારામારી કરી રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરી
રાજકોટ, તા. 13: રાજકોટ શહેરના રૈયા રોડ ખાતે આવેલા નહેરુનગર વિસ્તારમાં મોડી રાત્રીએ આવારા તત્વોએ ધમાલ મચાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મકાન ખાલી કરાવવા બાબતે ભુવનેશ્વરમાં રહેતા આશરે 15 જેટલા શખ્સોના ટોળાએ નેહરુનગરમાં જઈ ધમાલ મચાવી હતી. તેમજ મહિલાઓ સાથે પણ મારામારી કરી હતી. જે બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ભોગ બનનારને છોડાવવા જતા આવતા તત્વોએ ફૌજી રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરી હતી. જેને લઈને ત્યાં જમી રહેલા લોકો જમવાનું પડતું મૂકી જીવ બચાવવા ભાગ્યા હતા. ત્યાંના સ્થાનિકોએ એવો આરોપ લગાવ્યો છે કે ધમાલ મચાવનારા લોકો આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ છે તેમજ દારૂનો ધંધો પણ કરે છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીગ્રામ સહિતનો મોટો પોલીસ કાફલો નહેરુનગર વિસ્તારમાં ખડકી દેવાયો છે.