• મંગળવાર, 15 જુલાઈ, 2025

શાળાઓમાં કહેવા પુરતો રવિવાર : રજા છતાં સ્કૂલે બોલાવી કરાવાય છે અભ્યાસ

ત્રણ ખાનગી શાળામાં ચાલતું હતું શિક્ષણ કાર્ય : ડીઈઓની સૂચનાને ઘોળીને પી જવાઈ

રાજકોટ, તા. 13: રાજકોટમાં શિક્ષણ વિભાગના નિયમો, આદેશો અને આદર્શો સાથે શાળાઓ બાંધછોડ કરી રહી છે. રવિવારે શાળામાં રજા હોય, એ વાત તો કહેવા પુરતી જ રહી ગઈ હોય એમ અનેક ખાનગી શાળાઓ રવિવારે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળાએ બોલાવી રહી છે. આજરોજ આવી ત્રણ શાળા સામે આવી છે.

શહેરમાં વિદ્યાનિકેતન, તપસ્વી અને પરિમલ સ્કૂલમાં રવિવારની રજામાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જણાયા હતા. એબીવીપીના કાર્યકરો આ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં જોવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને અગાઉ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ શહેરમાં રજાના દિવસે ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવે કારણ કે એક દિવસ તેમને ભણતરના ભારમાંથી હળવા થવાનો અવસર મળે છે. રજાના દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે બોલાવવામાં ન આવે કે પરીક્ષા પણ લેવામાં ન આવે કારણ કે શિક્ષણ વિભાગનો નિયમ છે તે રજાના દિવસે શાળાઓ ચાલુ ન રાખવી. છતાં રાજકોટ શહેરની ઘણીખરી ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને રજાના દિવસે અભ્યાસ માટે બોલાવે છે અને પરીક્ષા પણ લે છે, એમ એબીવીપીના રાજકોટ મહાનગર મંત્રી ભાર્ગવ ચૌહાણે જણાવ્યું હતું.

એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે અહીં તેમને ફરજિયાત બોલાવવામાં આવે છે ? ત્યારે  વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને શાળાએ ફરજિયાત બોલાવવામાં આવે છે. જેથી આ શાળાઓમાં ચાલતું શિક્ષણ કાર્ય બંધ કરાવવામાં આવ્યું હોવાનું એબીવીપી દ્વારા જણાવાયું હતું

ઇ-પેપરના નવા શુલ્ક