નશાની હાલતમાં માથાકૂટ થતા હત્યા નિપજાવાઇ, બેની ધરપકડ
રાજકોટ, તા. 13 : રાજકોટ શહેર ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગઈકાલે શનિવારે રાત્રે ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં ભત્રીજાએ કાકાને છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યાની ઘટનાના 12 જ કલાકમાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
જેમાં લાલપરી મફતિયાપરા વિસ્તારમાં યુવાનની હત્યા નીપજાવાઈ છે.
લાલપરીના મફતિયાપરામાં આંગણવાડીની પાછળના ભાગે રસ્તાની બાજુએ 35 વર્ષીય અજય કાનજીભાઈ ચારોલાનું તા.13ની વહેલી સવારે તીક્ષ્ણ હથીયારના ઘા મારી મૃત્યુ નિપજાવ્યાની ફરિયાદ તેના પિતા કાનજીભાઈ બચુભાઈ ચારોલાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે હત્યાનો ભેદ રાજકોટની ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે.
ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી મફતીયાપરામાં થયેલા મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવા માટે ડીસીપી ક્રાઈમ પાર્થરાજાસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ગોંડલિયા, ડામોર અને જાદવના નેતૃત્વ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભગવતીપરાના શાહરૂખ ઇકબાલભાઈ સરવદી અને અક્રમ ઈસ્માઈલભાઈ સરવદીને પકડી પાડી બી ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપી વધુ તપાસ આદરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક અને બંને આરોપી નશાની હાલતમાં હતા અને કોઈ વાતને લઈને ઝગડો થઇ જતા અજયને જમણા પગના થાપાના નીચેના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા નીપજાવી દીધાનું જાહેર
થયું છે. પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા
50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.