• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ડે-નાઇટ ટેસ્ટના પ્રારંભે ઓસ્ટ્રેલિયાની પકડ: ભારત 180 રનમાં ઓલઆઉટ

મિચેલ સ્ટાર્કની 6 વિકેટ : ઓસ્ટ્રેલિયાના 1 વિકેટે 86 રન : યશસ્વી જયસ્વાલ મેચના પહેલા દડે આઉટ : નીતિશ રેડ્ડીના 42 રન

એડિલેડ તા.6: પિન્ક બોલથી આજથી શરૂ થયેલા ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ પકડ જમાવી છે. મિચેલ સ્ટાર્કની કાતિલ બોલિંગ સામે ટીમ ઇન્ડિયા 180 રનમાં ઓલઆઉટ થઇ હતી. આ પછી બીજા ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાના 1 વિકેટે 86 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા હવે ભારતથી 94 રન પાછળ છે અને 9 વિકેટ અકબંધ છે. મિચેલ સ્ટાર્કે 48 રનમાં 6 વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલ ગોલ્ડન ડક થયો હતો. કપ્તાન રોહિત અને સ્ટાર વિરાટ નિષ્ફળ રહ્યા હતા. જયારે ભારત તરફથી ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીએ 42 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે 11 વિકેટ પડી છે.

ટોસ જીતી ભારતે બેટિંગ પસંદ કરી હતી. ડે-નાઇટ ટેસ્ટના પહેલા જ દડે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ સ્ટાર્કના બોલમાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટમાં 69 રનની ભાગીદારી થઇ હતી. ક્રિઝ પર જામી ગયેલ રાહુલ 64 દડામાં 6 ચોકકાથી 37 રને અને ગિલ પ1 દડામાં પ ચોકકાથી 31 રને આઉટ થયા હતા. બાદમાં ભારતના મધ્યક્રમનો ધબડકો થયો હતો. સ્ટાર વિરાટ કોહલી 7, રિષભ પંત 21 અને કપ્તાન રોહિત શર્મા 3 રને આઉટ થયા હતા. આથી ભારતે 87 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી.

દબાણની સ્થિતિ વચ્ચે નીતિશ રેડ્ડીએ પ4 દડામાં 3 ચોકકા-3 છકકાથી 42 રનની સાહસિક ઇનિંગ રમી હતી. અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારતનો દાવ 44.1 ઓવરમાં 180 રને સમાપ્ત થયો હતો. સ્ટાર્કની 6 વિકેટ ઉપરાંત કાંગારૂ કપ્તાન કમિન્સ અને સ્કોટ બોલેંડે 2-2 વિકેટ લીધી હતી.

ચાના સમય પછી દાવમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને બુમરાહે ઝટકો આપ્યો હતો અને ઉસ્માન ખ્વઝા (13)નો શિકાર કર્યોં હતો. નાથન મેકસ્વીની 38 અને માર્નસ લાબુશેન 20 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ઓસ્ટ્રેલિયાના 33 ઓવરમાં 1 વિકેટે 86 રન કર્યાં હતા.

ભારતે તેની ઇલેવનમાં 3 ફેરફાર કર્યાં હતા. ધ્રુવ જુરેલ, દેવદત્ત પડીકકલ અને વોશિંગ્ટન સુંદરને બહાર કરી કપ્તાન રોહિત શર્મા, શુભમન ગિલ અને આર. અશ્વિનનો સમાવેશ કર્યોં હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક