• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બેકફૂટ ઉપર : ઓસ્ટ્રેલિયા મજબૂત

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 337 રન કરી 157ની લીડ મેળવી, ટ્રાવિસ હેડની સદી : ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 128માં જ પાંચ વિકેટ ગુમાવી

એડિલેડ, તા. 7 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો બીજો મેચ છ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થયો છે. શનિવારે મેચના બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. ઋષભ પંત 28 અને નીતિશ કુમાર રેડ્ડી 15 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમ હજી પણ ઓસ્ટ્રેલિયાથી 29 રને પાછળ છે. તેવામાં ભારતીય ટીમ ઉપર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. મુકાબલાના ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનો પાસે સારા પ્રદર્શનની આશા પણ રહેશે.

ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 180 રનમાં સમેટાઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 337 રને ઓલઆઉટ થઈ હતી. જેના પરિણામે 157 રનની લીડ મળી હતી. આ મેચમાં ટ્રાવિસ હેડે પોતાની આઠમી ટેસ્ટ સદી કરી હતી. તેમજ ભારત સામે આ બીજી ટેસ્ટ સદી બની હતી.બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત સારી રહી નહોતી અને 12 રનના સ્કોરે જ કેએલ રાહુલ (7)ની વિકેટ ગુમાવી હતી. બાદમાં યશસ્વી જયસ્વાલ પણ 24 રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને આઉટ થયો હતો. કોહલીએ 21 બોલનો સામનો કરતા 11 રન કર્યા હતા. શુભમન ગિલ (28) પાસે સારી બેટિંગની આશા હતી પણ મિચેલ સ્ટાર્કે તેને બોલ્ડ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ પાંચ રને બોલ્ડ થયો હતો. ત્યાંથી ઋષભ પંત અને નીતીશ રેડ્ડીએ ભારતીય ટીમને વધુ કોઈ નુકશાન થવા દીધું નહોતું.

ભારતના પહેલી ઈનિંગના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 337 રન કર્યા હતા. ટ્રાવિસ હેડે શાનદાર સદી કરી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને સિરાજને ચાર-ચાર, નીતિશ રેડ્ડી અને અશ્વિનને એક એક સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં પહેલી સફળતા બુમરાહે અપાવી હતી. બાદમાં બીજા દિવસે ફરી એક સફળતા બુમરાહે જ અપાવી હતી. જો કે ટ્રાવિસ હેડ ટીમ ઈન્ડિયા માટે માથાનો દુ:ખાવો બન્યો હતો. તેણે 140 રન કર્યા હતા. જેના પરિણામે ઓસ્ટ્રેલિયા ભારત ઉપર સારી સરસાઈ મેળવી શક્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક