5 મેચની
શ્રેણી 1-1ની બરાબરી પર : કમિન્સની 5 વિકેટથી ટીમ ઇન્ડિયા બીજા દાવમાં 175 રનમાં ડૂલ:
ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ
એડિલેડ,
તા.8 : ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. મેચના આજે
ત્રીજા દિવસે લંચ પહેલા ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે સંગીન વિજય થયો હતો. આથી
પ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી
ઇનિંગમાં 140 રનની નિર્ણાયક ઇનિંગ રમનાર ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ત્રીજો ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.
મેચના
આજે ત્રીજા દિવસે સવારે ટીમ ઇન્ડિયા બીજા દાવમાં 36.પ ઓવરમાં 17પ રનમાં ઓલઆઉટ થઇ હતી.
આ પછી ઓસ્ટ્રેલિયાએ 19 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કરી લીધો હતો.
ભારતે આજે પ વિકેટે 128 રનથી તેનો દાવ આગળ વધાર્યો હતો અને 47 રનના ઉમેરામાં બાકીની
પ વિકેટ ગુમાવી હતી. પંત આજની પહેલી ઓવરમાં જ સ્ટાર્કનો શિકાર બની 28 રને આઉટ થયો હતો.
ભારતના પૂંછડિયા ખેલાડી કાંગારુ કપ્તાન કમિન્સ સામે ટકી શકયા ન હતા. ઓલરાઉન્ડર નીતિશ
રેડ્ડીએ બીજા દાવમાં પણ ભારત તરફથી 42 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી
કપ્તાન કમિન્સે પ, બોલેંડે 3 અને સ્ટાર્કે 2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાને
જીત માટે 19 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જે તેણે ફકત 3.2 ઓવરમાં વિના વિકેટે હાંસલ
કરી લીધું હતું. આથી તેનો 10 વિકેટે સરળ વિજય થયો હતો. ભારત પહેલા દાવમાં 180 રને ઓલઆઉટ
થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 337 રન કરીને 1પ7 રનની નિર્ણાયક સરસાઇ મેળવી હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા
વચ્ચે સૌથી ઓછા 1031 દડામાં ટેસ્ટ સમાપ્ત
બન્ને
દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલા ટેસ્ટમાં આ મેચ સૌથી ઓછા દડામાં 1031 દડામાં સમાપ્ત
થયો છે. આ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ટેસ્ટ ઇન્દોરમાં ગયાં વર્ષે 113પ દડામાં
સમાપ્ત થયો હતો. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ 12-1 થયો છે. તેને એકમાત્ર
હાર આ વર્ષે બ્રિસબેનમાં વેસ્ટ ઇન્ડિઝના હાથે મળી હતી. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં તમામ
8 ડે-નાઇટ ટેસ્ટ કબજે કર્યા છે જ્યારે ભારતીય ટીમ 19મી વખત 10 વિકેટે હારી છે.
WTCમાં
ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાને ફેંકાઈ ઓસ્ટ્રેલિયા ફાયદા સાથે ટોચ પર
એડિલેડ
ટેસ્ટની હારને લીધે ટીમ ઇન્ડિયાની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવાની આશાને
ફટકો પડયો છે. જીત સાથે ઓસ્ટ્રેલિયા ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગયું છે.
જયારે ટીમ ઇન્ડિયા ટોચ પરથી ગબડીને ત્રીજા નંબર પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટીમ 14 મેચમાં
9 જીત સાથે 60.71 ટકાવારીથી પહેલા ક્રમે છે. બીજા સ્થાને દ. આફ્રિકા ટીમે એન્ટ્રી કરી
છે. ભારતની હારનો તેને ફાયદો મળ્યો છે. તેના હવે 9 મેચમાં પ જીતથી પ9.26 જીત ટકાવારી
છે જ્યારે ભારતીય ટીમ 16 મેચમાં 9 જીત અને 6 હાર સાથે પ7.29 ટકાવારી સાથે ત્રીજા સ્થાને
છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ ત્રણ ટેસ્ટ બાકી છે. ઓસ્ટ્રેલિયાને આ પછી શ્રીલંકા
સામે બે ટેસ્ટની શ્રેણી રમવાની છે. આથી તેની પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ સારી તક છે.
ભારતે ફાઇનલનું સ્થાન સુનિશ્ચિત કરવા બાકીના ત્રણેય મેચમાં ઓસિ.ને હાર આપવી પડશે. શ્રેણીનું
પરિણામ જો ભારતની તરફેણમાં 3-2 કે વિરુદ્ધમાં 2-3 આવશે તો ટીમ ઇન્ડિયાએ બીજા દેશનાં
પરિણામ પર ફાઇનલ માટે નિર્ભર રહેવું પડશે.