નવી
દિલ્હી, તા.6: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સમાપ્ત થઇ છે. ટીમ ઇન્ડિયાએ એક દશક પછી આ ટ્રોફી
ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાનો 3-1થી શ્રેણી વિજય થયો છે. ટીમ ઇન્ડિયાનું નવું મિશન ઘરઆંગણે
ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને વન ડે શ્રેણી ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી છે. કપ્તાન રોહિત
શર્મા અને સિતારા બેટધર વિરાટ કોહલીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયા છે. આથી તમામની
નજર બીસીસીઆઇની પસંદગી સમિતિ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર છે. તેનો હવે કેવી ટીમ
પસંદ કરે છે અને કોણ કપ્તાન બને છે તે રસપ્રદ બની રહેશે. રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનેશનલ
ફોર્મેટને બાયબાય કરી ચૂકયા છે. ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ફરી
એકવાર સૂર્યકુમાર યાદવ હશે. જ્યારે વન ડેમાં કેપ્ટનશીપ કોને મળશે તે નિશ્ચિત નથી. કારણ
કે આ ફોર્મેટમાં સૂર્યકુમાર ઇલેવનમાં પણ અંદર-બહાર થતો રહે છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ
રોહિત શર્માને વન ડેમાં કેપ્ટન તરીકે લગભગ ચાલુ રાખશે. અન્યથા હાર્દિક પંડયા અથવા શુભમન
ગિલ પર પસંદગી ઉતરશે.
આઇસીસીની
ડેડલાઇન અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર તમામ 8 ટીમે 12 જાન્યુઆરી સુધીમાં ટીમ
જાહેર કરવાની છે. બીસીસીઆઇ 11 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમ જાહેર કરશે
તેવા રિપોર્ટ છે.
ચેમ્પિયન્સ
ટ્રોફીમાં ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગલાદેશ સામે, 23મીએ પાકિસ્તાન વિરુદ્ધ અને
2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે લીગ મેચ રમશે. આ તમામ મેચ દુબઇમાં રમાશે.