• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

રાજકોટમાં ડબલ ધમાકા: સૌથી મોટો સ્કોર અને સૌથી મોટો વિજય

કપ્તાન સ્મૃતિ મંદાના અને યુવા પ્રતિકા રાવલની આતશી સદી

રાજકોટ, તા.1પ: વિક્રમોની વણઝાર સાથે ભારતીય મહિલા ટીમે આજે અહીંના નિરંજન શાહ સ્ટેડિયમ પર ત્રીજા અને આખરી વન ડે મુકાબલામાં આયરલેન્ડ સામે 304 રને મહાવિજય હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંદાનની ટીમે પ્રવાસી આયરલેન્ડ ટીમનો 3-0થી સફાયો કર્યો હતો. ભારતીય મહિલા ટીમે તેના વન ડે ઇતિહાસનો સૌથી મોટો સ્કોર પ વિકેટે 43પ રન ખડકયો હતો અને બાદમાં સૌથી મોટો 304 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. 436 રનના પહાડ સમાન વિજય લક્ષ્યનો પીછો કરતા આયરલેન્ડ મહિલા ટીમનો 131 રનમાં ધબડકો થયો હતો. ભારત તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ફાસ્ટેસ સેન્ચૂરી ફટકારી હતી. તો યુવા સનસની પ્રતિકા રાવલે 1પ4 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. પ્રતિકા પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બની હતી. 3 મેચમાં તેના નામે 310 રન રહ્યા હતા.

ભારત તરફથી કપ્તાન સ્મૃતિ મંધાનાએ 80 દડામાં 12 ચોકકા અને 7 છક્કાથી 13પ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જયારે યુવા બેટર પ્રતિકા રાવલે 129 દડામાં 20 ચોકકા-1 છક્કાથી 1પ4 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 233 રનની વિક્રમી ભાગીદારી થઇ હતી. સ્મૃતિએ તેની 10મી વન ડે સદી ફકત 70 દડામાં પૂરી કરી હતી અને હરમનપ્રિત કૌર 87 દડામાં સદીનો રેકોર્ડ તોડયો હતો. સ્મૃતિ અને પ્રતિકાએ રાજકોટમાં રનનું રમખાણ સર્જીને આયરલેન્ડની તમામ બોલરની ધોલાઈ કરી હતી. આ સિવાય ઋચા ઘોષે 42 દડામાં પ9 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેજલ હસબનિસ 28 અને હરલિન દેઓલ 1પ રને આઉટ થઈ હતી. જેમિમાહ 4 અને દીપ્તિ 11 રને નોટઆઉટ રહી હતી. ભારતીય મહિલા ટીમે પ0 ઓવરમાં પ વિકેટે 43પ રનનો વિક્રમી સ્કોર બનાવ્યો હતો. આયરલેન્ડ તરફથી ઓર્લા પ્રેંડરગસ્ટે 71 રનમાં 2 વિકેટ લીધી હતી.

બાદમાં આયરલેન્ડ મહિલા ટીમ 31.4 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં સારા ફોર્બ્સના 41 અને ઓર્લા પ્રેંડરગસ્ટના 36 રન મુખ્ય હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 અને તનુજા કંવરે 2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક