સબાલેંકાની
આગેકૂચ: ઓસાકા ઇજાને લીધે બહાર
મેલબોર્ન
તા.17: ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં સર્બિયન સ્ટાર અને ત્રીજા ક્રમના ખેલાડી
નોવાક જોકોવિચે વિજયક્રમ જાળવી રાખીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. મહિલા વિભાગની
ગત ચેમ્પિયન આર્યના સબાલેંકા પણ ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે. જયારે બે વખતની પૂર્વ ચેમ્પિયન
જાપાનની નાઓમી ઓસાકા દર્દને લીધે ત્રીજા રાઉન્ડ દરમિયાન રિટાયર્ડ થઇ હતી. જયારે પાંચમા
ક્રમનો રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવ અપસેટનો શિકાર બની બહાર થયો હતો.
ખિતાબના
પ્રબળ દાવેદાર જોકોવિચે ત્રીજા રાઉન્ડમાં ઝેક ગણરાજયના ખેલાડી ટોમસ મચાકને 6-1, 6-4
અને 6-4થી હાર આપી હતી. જયારે મહિલા સિંગલ્સમાં બેલારૂસની આર્યના સબાલેંકાનો ત્રીજા
રાઉન્ડમાં કલારા ટાઉસન સામે 6-4 અને 6-4થી વિજય થયો હતો. પાંચમા ક્રમના મેદવેદવ સામે
અમેરિકાના 19 વર્ષીય કવોલીફાયર ખેલાડી લર્નર ટિનનો પાંચ સેટની લડત પછી વિજય થયો હતો.
મેલબોર્ન
પાર્કમાં સબાલેંકાની આ સતત 17મી જીત છે. મિકસ્ડ ડબલ્સમાં ભારતનો રોહન બોપન્ના અને તેની
ચીની જોડીદાર ઝેંગ કિવન પહેલા રાઉન્ડની જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. નાઓમી
ઓસાકાને ત્રીજા રાઉન્ડ દરમિયાન મેડિકલ ટ્રિટમેન્ટ લેવી પડી હતી. આ પછી તેણીએ મેચ છોડવાનો
નિર્ણય લીધો હતો. ત્યારે ઓસાકા હરીફ ખેલાડી બેલિન્ડા બેનિક સામે પ-4થી આગળ હતી.